નવી મુંબઈને બંધમાંથી બાકાત રખાયું હોવા છતાં એપીએમસી બજારોમાં વેપારી પ્રવૃત્તિ ઠપ

નવી મુંબઈને બંધમાંથી બાકાત રખાયું હોવા છતાં એપીએમસી બજારોમાં વેપારી પ્રવૃત્તિ ઠપ
તોફાનોની દહેશતથી લોકો આવ્યા જ નહીં
 
અમારા પ્રતિનિધિ તરફથી
નવી મુંબઈ, તા. 9 : મહારાષ્ટ્ર બંધના આયોજકોએ આજે મુંબઈ, થાણે અને નવી મુંબઈને બંધમાંથી બાકાત રાખ્યાં હતાં, છતાં નવી મુંબઈ ખાતેની જથ્થાબંધ એપીએમસી બજારોમાં વેપારની પ્રવૃત્તિ લગભગ ઠપ જેવી રહી હતી.
તાજેતરમાં બંધ દરમિયાન કોપરખૈરણે સહિતના વિસ્તારોમાં રમખાણ ફાટી નીકળ્યાં હતાં અને વાહનોને આગ ચાંપવામાં આવી હતી અને એ બનાવ તાજા જ હોવાથી દહેશતના કારણે બહુ ઓછા વેપારીઓ સવારે બજારમાં આવ્યા હતા, પરંતુ માથાડી કામદારો બજારોમાં આવ્યા નહોતા. આથી વેપારીઓ પણ એકાદ-બે કલાકમાં તેમનું કામ આટોપીને નીકળી ગયા હતા. લોડિંગ- અનલોડિંગની પ્રવૃત્તિ સંપૂર્ણ બંધ રહી હતી.
મસાલા બજારની `ડી' ગલીમાં વાતાવરણ સૂમસામ ભાસતું હતું. જોકે `ઈ' ગલીમાં દુકાનો ખૂલી હતી. દાણાબંદરમાં પણ માંડ 10થી 15 ટકા વેપારીઓ આવ્યા હતા. જોકે, બજારોની બૅન્કો ચાલુ રહી હતી. કાંદા-બટાટા બજાર પણ બંધ રહી હતી.
માથાડી નેતા અને વિધાન પરિષદના સભ્ય નરેન્દ્ર પાટીલે ગઈ કાલે જાહેરાત કરી હતી કે માથાડી કામદારો ગુરુવારે તેમના કામ ચાલુ રાખશે અને બજારોમાં બંધ નહીં હોય.
બીજી તરફ જથ્થાબંધ ફળબજારના ભૂતપૂર્વ ડાયરેકટર સંજય પાનસરેએ જણાવ્યું હતું કે ગુરુવારે એપીએમસીની પાંચે બજારો બંધ રહેશે એવું વ્યાપારી સંગઠનોએ નક્કી કર્યું છે. એકંદરે બજારોમાં વેપારની પ્રવૃત્તિ ઠપ રહી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer