વિશ્વ આદિવાસી દિવસની નિઝરમાં ઉજવણી

વિશ્વ આદિવાસી દિવસની નિઝરમાં ઉજવણી
રાજપીપળામાં 100 કરોડના ખર્ચે  આદિવાસી મ્યુઝિયમ બનશે : રૂપાણી
 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 9 : આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. રાજ્યકક્ષાની ઉજવણી તાપીના નિઝરમાં કરાઈ હતી. જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, ગુજરાતે આદિવાસી વિરાસતને ઉજાગર કરવાના અવસરો આપ્યા છે. તેમ જ ગૌરવવંતી આદિજાતિ પરંપરાને જીવંત રાખવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું કહ્યું હતું. તેમણે રાજપીપળામાં રૂા. 100 કરોડના ખર્ચે આદિજાતિ સંસ્કૃતિના જતન-સવર્ધન માટે આદિવાસી મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરી હતી. 
વિશ્વ આદિવાસી દિવસે રૂા. 46 લાખના લાભોનું વનબંધુઓને વિતરણ કરાયું હતું. મુખ્ય પ્રધાને રાજપીપળામાં રૂા. 100 કરોડના ખર્ચે અલગ મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય કર્યાનું કહ્યું હતું તો બિરસા મૂંડા આદિવાસી યુનિવિર્સટીના નિર્માણથી આદિવાસી સંસ્કૃતિનું જનત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આદિવાસીઓમાં આઝાદી પહેલાંથી જ રાષ્ટ્રભક્તિ પડેલી છે. અંગ્રેજો અને મોગલો સામે આઝાદી માટે આદિવાસીઓએ પણ શહીદી વહોરી છે. એવા આદિવાસી સમાજના સમરસ વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, 196 જંગલનાં ગામોને રેવન્યુ ગામો જાહેર કરાયાં છે. ગુજરાતનો આદિવાસી વૈશ્વિક પડકાર ઝીલીને વૈશ્વિક ફલક પર અગ્રેસર બન્યો છે. રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં પૂરેપૂરો ભાગીદાર છે. વર્ષ 2002માં રાજ્યમાં સાત એકલવ્ય મોડેલ સ્કૂલ હતી, આજે 91 છે. 2001માં આદિવાસી ક્ષેત્રમાં 47 ટકા શિક્ષણ હતું જે વધીને 62 ટકા થયું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer