મરાઠા આંદોલન હિંસક રહ્યું : આગજની, તોડફોડ અને રસ્તારોકો

મરાઠા આંદોલન હિંસક રહ્યું : આગજની, તોડફોડ અને રસ્તારોકો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : આરક્ષણ માટે મરાઠાઓએ આજે આપેલી બંધની હાકલ દરમિયાન મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં છૂટીછવાઈ હિંસા, આગ ચાંપવાના અને માર્ગ વ્યવહાર ખોરવવાના બનાવો નોંધાયા હતા. આજનું આંદોલન સવારે શાંતિપૂર્વક શરૂ થયું હતું, પરંતુ બપોર પછી હિંસક બન્યું હતું.
મુંબઈમાં શું થયું?
બંધના કારણે મુંબઈની અનેક શાળા અને કૉલેજો બંધ રહી હતી. દાદરમાં શાકભાજીની જથ્થાબંધ માર્કેટ બંધ રહી હતી. તેમાં ભાગ લેનારા એક વેપારીએ જણાવ્યું હતું કે અમને બંધ કરવાની ફરજ પાડવામાં આવી નહોતી. આમ છતાં અમે મરાઠાઓને ટેકો આપવા બંધ પાળ્યો હતો. મરાઠા ક્રાંતિ મોરચાના સમર્થકોએ બાંદરા (પૂર્વ)માં કલેકટરની કચેરીની સામે અને પનવેલમાં તહસીલદારની કચેરી સામે દેખાવો યોજ્યા હતા. મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનો એકંદરે રાબેતા મુજબ દોડતી હતી.
મહારાષ્ટ્ર સરકારે લોકોને શાંતિ જાળવવાનો અને કાયદો નહીં તોડવાનો અનુરોધ કર્યો હતો. પોલીસે અનેક સ્થળોએ આંદોલનકારીઓના વીડિયો ઉતાર્યા હતા.            

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer