રાજર્ષિ મોહનભાઈ પટેલને પ્રથમ `ભાસ્કર'' એવૉર્ડ

રાજર્ષિ મોહનભાઈ પટેલને પ્રથમ `ભાસ્કર'' એવૉર્ડ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : `જો બિત ગયા ઉસ કા સ્મરણ ઔર બચે હુએ કે સાથ સંવાદ', સમયના સંદર્ભમાં આ વિધાન લાંબા જીવનની જડીબુટ્ટી છે એમ પ્રસિદ્ધ ભાગવતકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ ઉદ્યોગપતિ અને મુંબઈના ભૂતપૂર્વ શેરિફ ડૉ. મોહનભાઈ પટેલને તેમની 90મી વર્ષગાંઠના અવસરે ઇન્ડિયન પ્લૅનેટરી સોસાયટી (આઇપીએસ) દ્વારા પ્રથમ ભાસ્કર એવૉર્ડ એનાયત થયો એ પ્રસંગે આશીર્વચન આપતાં જણાવ્યું હતું. 
ભાઈશ્રીએ કહ્યું હતું કે જીવન સાથેનો પ્રેમ એ જ પરમાત્મા પ્રત્યેનો પ્રેમ છે, જીવનની સફરમાં ગમતું અને અણગમતું બધું મળે, ગમતા કે અણગમતા લોકો પણ મળે; પરંતુ સૌની સાથે સંવાદ સાધીને પ્રેમથી આગળ વધવામાં આવે તો મંઝિલ ઢૂંકડી લાગે છે. એમાં જ જીવનનો સાર છુપાયેલો છે. 
જીવનમાં વિવિધ તબક્કા કે પડાવ આવે છે એ વિશે સમજાવતાં ભાઈશ્રીએ કહ્યું હતું કે બચપણ, યુવાની, પરિવાર અને વૃદ્ધત્વ એ જીવનના તબક્કા છે અને મોહનભાઈએ એ જીવી બતાવ્યું છે. ગામડામાં બચપણ વીત્યું એનું સ્મરણ તેઓ ક્યારેય વીસર્યા નથી અને પોતાનાં સંતાનોના ઉછેરની જવાબદારી નિભાવ્યા બાદ તેઓ પૌત્રો સાથે પણ બાળક બનીને આજે પણ રમે છે અને એ જ તેમના લાંબા આયુષ્યનું રહસ્ય છે. 
જીવનના રસથાળમાં બાળપણ, યુવાની, પીઢતા અને વૃદ્ધત્વ એ બધું હોય છે. સામાન્ય માણસો સમયે-સમયે એ બધા રસ માણે છે, પરંતુ મોહનભાઈ આજે 90 વર્ષની ઉંમરે પણ બાળક સાથે બાળક અને પીઢ વ્યક્તિ સાથે પીઢ તથા યુવાનો સાથે યુવાનની જેમ વર્તે છે, એ જ પૂર્ણ જીવનની સાર્થકતા છે.
જીવન એની સમસ્તતાથી જીવવામાં જ સફળતા છુપાયેલી છે. સફરમાં સારું-નરસું, ગમતું-અણગમતું બધું મળે, એની સાથે તાદાત્મ્ય સાધીને પ્રેમભાવથી, વિવાદ વગર જીવવું એ પણ એક પ્રકારનું તપ છે. મોહનભાઈ બહુમુખી પ્રતિભા છે. મોહનભાઈમાં કળા, સાહિત્ય, ઉદ્યોગ અને વિજ્ઞાન ઉપરાંત સેવાભાવનો પણ સંગમ છે. એ બધું એમનેમ ન મળે. એટલે જ ભાઈશ્રીએ તેમને `રાજર્ષિ' કહ્યા હતા.
આભાર વ્યક્ત કરતાં મોહનભાઈએ જણાવ્યું હતું કે `જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી' એવું હું દૃઢપણે માનું છું એથી માતૃભાષા પણ મા છે અને એની સાથે સંસ્કારો જોડાયેલા છે. આપણી માતૃભાષા ગુજરાતી અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર એટલે મરાઠી આપણી માસી, ભારતની તમામ ભાષાઓ સંસ્કૃતમાંથી ઊતરી આવી છે. ભાષાના સંસ્કાર માણસને ગળથૂંથીમાં મળે છે.
તેમણે દેશના સ્વતંત્રતા સંગ્રામની કેટલીક ખાસ વાતો યાદ કરાવી હતી. મહાત્મા ગાંધી દાંડીયાત્રાએ નીકળ્યા ત્યારે માતા મને કાંખમાં બેસાડીને લઈ ગયા હતા. સરદાર પટેલ એક વાર ગામમાં આવ્યા ત્યારે અઢી વર્ષના મોહનભાઈના હાથમાંથી એક લાકડી પડીને સરદારના માથામાં વાગી હતી. સરદારે ત્યારે કહેલું, `લાકડી મજબૂતીથી પકડાય.' બસ ત્યારથી જીવનમાં જેકાંઈ કરવાનું હોય એ મજબૂતીથી કરતો આવ્યો છું. 
પોતાનાં માતા-પિતાને યાદ કરતાં મોહનભાઈએ કહ્યું હતું કે માતા સૂરજબાએ ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા `સરસ્વતીચંદ્ર' આપીને કહ્યું, આ વાંચ. બસ ત્યારથી દરેક પ્રકારના સાહિત્યનું વાંચન જીવનનો ક્રમ બની ગયો અને ત્યાર બાદ પુ. લ. દેશપાંડે અને વી. સ. ખાંડેકર સહિતના દિગ્ગજ મરાઠી સાહિત્યકારો સાથેના પોતાના સંબંધોની યાદ તેમણે તાજી કરાવી હતી. પિતા ઈશ્વરલાલ પાસેથી પણ મહેનત અને દૃઢતાથી હાથમાં લીધેલું કામ પાર પાડવાની અને હાથ લાંબા હોય છતાં થોરની વાડમાં હાથ ન નાખવાની શીખ મેળવી હોવાનું તેમણે કહ્યું હતું.  
આ પ્રસંગે પોતાના શિક્ષક મગનભાઈ માસ્તરને યાદ કરતાં મોહનભાઈએ કહ્યું હતું કે તેમણે મને રવીન્દ્રનાથ ટાગોરની કૃતિ `ચાહ ઘર' અને રામનારાયણ વી. પાઠકની કૃતિ `જગતનો તાત' વાંચવા પ્રેર્યો હતો. ત્યાર બાદ તેઓ મને આ પુસ્તકમાંથી શું ગમ્યું એ પણ પૂછતા એથી હું એકાગ્રચિત્તે વાંચન કરતો થયો. 
મોહનભાઈએ આ પ્રસંગે પોતાનાં સદ્ગત પત્ની ચંદાબહેનને પણ યાદ કરતાં કહ્યું હતું કે લગ્ન વખતે મારી ઉંમર 21ની અને ચંદા 19ની. પહેલાં લંડનમાં અને ત્યાર બાદ મુંબઈમાં અમારો 57 વર્ષનો સંસાર રહ્યો. લંડનમાં પહેલાં તમે સમય નથી આપતા એમ તે કહેતી અને ત્યાર બાદ નોકરી છોડીને 6 મહિના ઘરે મૅનેજમેન્ટ કોર્સનો અભ્યાસ કરતો ત્યારે કહેતી કે તમે તો બહાર જ નથી જતા.
મુંબઈમાં એક સમયે પ્રતિષ્ઠિત લોકોની જ સવારી ગણાતી એમ્પાલા કાર યુવાન વયે લીધી એ પ્રસંગને વર્ણવતાં મોહનભાઈએ કહ્યું હતું કે વિલે પાર્લેમાં એક વાર નીકળ્યો તો ગલીમાં રમતાં ટાબરિયાંઓ દિલીપકુમાર... દિલીપ કુમાર કહીને પાછળ પડયાં હતાં. ફાટક પાસે કાર ઊભી રહી ત્યારે એમાં જોઈને એક ટાબરિયાએ કહ્યું, સાલા કોઈ ફાલતુ હૈ... બસ ત્યારથી શીખવા મળ્યું કે દેખાડો ન કરાય. સાદગીમાં જ શ્રેષ્ઠ જીવન છે. 
બુધવારે સાંજે વિલે પાર્લેની હોમિયોપથી કૉલેજના સભાગૃહમાં આયોજિત આ અવૉર્ડ સમારોહમાં હાજર રહેલા સૌનું સ્વાગત મોહનભાઈના મિત્ર અને ઉદ્યોગપતિ દામજીભાઈ શાહ (ઍન્કરવાલા)એ કર્યું હતું અને આ કાર્યક્રમમાં ડૉ. મોહનભાઈ પટેલની સુદીર્ઘ સામાજિક સેવાઓને બિરદાવવા માટે કેન્દ્રના પ્રધાન સુરેશ પ્રભુએ ખાસ વીડિયો-મેસેજ મોકલ્યો હતો; જ્યારે પદ્મવિભૂષણ પ્રો. એમ. એમ. શર્મા, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશી, મુંબઈ યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ ઉપકુલપતિ ડૉ. સ્નેહલતા દેશમુખ, એસએનડીટી મહિલા યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ ઉપકુલપતિ ડૉ. રૂપા શાહ, ભાવનગર-સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ ઉપકુલપતિ ડૉ. નરેશ વેદ, આઇપીએસના પ્રમુખ ડૉ. જે. જે. રાવલ, જન્મભૂમિ ગ્રુપના સીઈઓ કુંદનભાઈ વ્યાસ સહિતના જાણીતા મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યાં હતાં. ભાગવતકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને અજમેર શરીફના ગાદીનશીન ખ્વાજા ગરીબ નવાઝ સૈયદ ફખરે મોઈન ચિસ્તીએ આશીર્વચન આપ્યા હતા.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer