શહીદ મેજરનો પાર્થિવદેહ રાષ્ટ્રીય સન્માન સાથે પંચમહાભૂતમાં વિલીન

શહીદ મેજરનો પાર્થિવદેહ રાષ્ટ્રીય સન્માન સાથે પંચમહાભૂતમાં વિલીન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મેજર કૌસ્તુભ રાણે 29 વર્ષની ઉંમરે શહીદ બન્યા હતા. કૌસ્તુભ રાણેના પાર્થિવદેહના અંતિમસંસ્કાર આજે બપોરે સાડા બાર વાગ્યે લશ્કરી સન્માન સાથે મીરા રોડની સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા. શહીદ કૌસ્તુભ રાણેને અંતિમ વિદાય આપવા આવેલા હજારો લોકોએ `કૌસ્તુભ રાણે અમર રહે'ના નારાથી મીરા રોડના આકાશને ગજાવી મૂક્યું હતું. થાણેના પાલકપ્રધાન એકનાથ શિંદે, સિંધુદુર્ગના પાલકપ્રધાન દીપક કેસરકર અને રાજ્યના શાળેય શિક્ષણપ્રધાન વિનોદ તાવડેએ પણ કૌસ્તુભ રાણેના અંતિમ દર્શન કરી રાણેના કુટુંબીજનોને દિલાસો આપ્યો હતો. મૂળ સિંધુદુર્ગના વૈભવવાડીના વતની કૌસ્તુભ રાણે મીરા રોડમાં રહેતા હતા. કૌસ્તુભના પરિવારમાં માતા-પિતા, પત્ની, બે વર્ષનો દીકરો અને એક બહેનનો સમાવેશ છે.
ઉત્તર કાશ્મીરનના બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેકટરમાં આતંકવાદીઓ લાઈન અૉફ કન્ટ્રોલ (બૉર્ડર) ક્રોસ કરીને ઘૂસવાના છે એવી માહિતી 7મી અૉગસ્ટે મોડી રાતે સૈન્યને મળી હતી. ત્યાર બાદ અચાનક જ ગોળીબાર શરૂ થયો હતો. આતંકવાદીઓએ અચાનક કરેલા ગોળીબારમાં મેજર કૌસ્તુભ રાણે સહિત મનદીપ સિંઘ રાવત, હમીર સિંઘ, વિક્રમજિત સિંઘ પણ શહીદ થયા હતા.
મીરા રોડમાં કૌસ્તુભ રાણે નાનપણથી મોટા થયા હતા. ત્યાંની હોલી ક્રોસ સ્કૂલમાં તેમણે અભ્યાસ કર્યો હતો. કૌસ્તુભ રાણેના ઘરની કોઈ પણ વ્યક્તિ લશ્કરમાં નહોતી. કૌસ્તુભના પિતા તાતા કંપનીમાં હતા અને તેમનાં માતા જ્યોતિ રાણે મલાડના શિક્ષણ પ્રસારક મંડળની ઉત્કર્ષ મંદિર સ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ હતાં. અત્યારે કૌસ્તુભનાં માતાપિતા નિવૃત્ત છે.
કૌસ્તુભનાં પત્ની કનિકા બે વર્ષના દીકરાને લઈને ગામ ગયાં હતાં અને માતા-પિતા પણ ગામ જવાની તૈયારી કરતાં હતાં. એ વખતે કૌસ્તુભ શહીદ થયાના સમાચાર આવતા તેમના માટે દુ:ખનો ડુંગર તૂટી પડયો હતો. તાજેતરમાં કૌસ્તુભ રાણેને સેના પદકથી નવાજવામાં આવ્યા હતા. કૌસ્તુભની સૈન્યમાંની કામગીરી બદલ રાણે-કુટુંબ સહિત મીરા રોડના તેમના વિસ્તારમાં રહેતા લોકોને ગર્વ હતો.
બહેનોએ રાખડી બાંધીને ચૉકલેટ-કેકની ભેટ ધરી
મીરા રોડમાં મેજર કૌસ્તુભ રાણેને અંતિમ વિદાય દરમિયાન વાતાવરણ ગમગીનીભર્યું અને હૃદયદ્રાવક બની રહ્યું હતું. કૌસ્તુભનાં માતા-પિતા, પત્ની અને બહેનનાં અશ્રુ રોકાવાનું નામ નહોતાં લેતાં. કૌસ્તુભ માતા-પિતાનો એકનો એક દીકરો હતો અને તેને એક સગી તથા ચાર કાકાઈ બહેનો તથા બે વર્ષનો એક દીકરો છે. પાંચેપાંચ બહેનોનો ભાઈ પર અતૂટ પ્રેમ. આ મહિનામાં રક્ષાબંધન આવી રહી છે અને થોડા દિવસ પૂર્વે કૌસ્તુભનો જન્મદિવસ હતો. મેજર કૌસ્તુભને કેડબરી ચૉકલેટ ખૂબ ભાવતી હતી. એટલે છેવટની વિદાય વખતે બહેનોએ ભાઈ કૌસ્તુભને રાખડી, ચૉકલેટ અને કેકની ભેટ મૂકી ત્યારે હજારો આંખો રડી પડી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer