ટ્રિપલ તલાક ખરડામાં સરકારે ચોક્કસ રક્ષણોને મંજૂરી આપી

ટ્રિપલ તલાક ખરડામાં સરકારે ચોક્કસ રક્ષણોને મંજૂરી આપી
ત્રણ સુધારામાં ખટલો શરૂ થવા પૂર્વે મેજિસ્ટ્રેટ પાસેથી જામીન મેળવવાની જોગવાઈ
 
નવી દિલ્હી, તા. 9 (પીટીઆઈ) : એક જ સમયે મોઢેથી ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપવાની પ્રથાને ગેરકાયદે બનાવતા અને પતિને ત્રણ વર્ષ સુધી જેલની સજા આપતા સૂચિત કાયદાનો દુરુપયોગ થઈ શકે એવી ભીતિઓને દૂર કરવા માટે ખટલો શરૂ થવા પૂર્વે આરોપી માટે જામીનની જોગવાઈ જેવી કલમ ઉમેરીને ચોક્કસ રક્ષણોને સરકારે આજે મંજૂરી આપી હતી.
કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે, `મુસ્લિમ વુમન પ્રોટેકશન અૉફ રાઈટ્સ અૉન મેરેજ બિલ'માં ત્રણ સુધારાને કેન્દ્રના પ્રધાનમંડળે મંજૂર કર્યા છે. આ ખરડો લોકસભાએ પસાર કર્યો છે અને રાજ્યસભાની મંજૂરી હજી બાકી છે.
સંસદના ચોમાસું સત્રનો આવતી કાલે છેલ્લો દિવસ છે અને સરકાર રાજ્યસભામાં આ સુધારા રજૂ કરી શકે છે. જો ખરડાને ઉપલા ગૃહ દ્વારા પસાર કરાય તો સુધારાને મંજૂરી માટે લોકસભામાં પાછો મોકલાવાશે.
જોકે, સૂચિત કાયદો `િબન-જામીનપાત્ર' રહેશે, પરંતુ આરોપી જામીનની દાદ ચાહવા માટે ખટલો શરૂ થવા અગાઉ પણ મેજિસ્ટ્રેટ સમક્ષ જઈ શકશે.
બિન-જામીનપાત્ર કાયદા હેઠળ પોલીસ સ્ટેશન ખાતે જ પોલીસ તરફથી જામીન આપી નહીં શકાય.
રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, `પત્નીની વાત સાંભળ્યા બાદ' જામીન આપવાની મેજિસ્ટ્રેટને છૂટ આપતી કલમ ઉમેરવામાં આવી છે. પરંતુ સૂચિત કાયદા હેઠળ એક જ સમયે ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપવાનો ગુનો બિન-જામીનપાત્ર રહે છે, એવી તેમણે સ્પષ્ટતા કરી હતી.
સૂત્રોએ પછીથી જણાવ્યું હતું કે, ખરડામાં જોગવાઈ કરાયા મુજબ પત્નીને વળતર (ભરણપોષણ) આપવા માટે પતિ સંમત થયા પછી જ જામીન અપાય એવું મેજિસ્ટ્રેટ સુનિશ્ચિત કરશે. ખરડાની જોગવાઈ મુજબ વળતરનું પ્રમાણ મેજિસ્ટ્રેટ દ્વારા નક્કી કરાશે.
એક પ્રશ્નના ઉત્તરમાં રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, ભીતિઓ વ્યક્ત કરાતી હતી અને અમે ક્ષતિઓને દૂર કરી છે. દબાણ હેઠળ કશું નથી કરાયું.
બીજા સુધારામાં એવી સ્પષ્ટતા કરાઈ છે કે, પીડિતા (પત્ની), તેના લોહીના સંબંધી અથવા તેના લગ્નની રૂએ સંબંધી બનેલા લોકો સંપર્ક કરે તો જ પોલીસ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) નોંધશે. આથી એવા ભય દૂર થશે કે પાડોશી પણ એફઆઈઆર નોંધાવી શકે છે જેવું કે કોઈ પણ દખલપાત્ર (કોગ્નિઝેબલ) ગુનાના કેસોમાં બને છે.
ત્રીજો સુધારો ટ્રિપલ તલાકના ગુનાને `માંડવાળપાત્ર' બનાવે છે. પતિ અને પત્ની વચ્ચેના વિવાદની પતાવટ કરવા માટે હવે મેજિસ્ટ્રેટ પોતાની સત્તાનો ઉપયોગ કરી શકશે. માંડવાળપાત્ર ગુના હેઠળ બન્ને પક્ષકારો કેસ પાછો ખેંચવાની સ્વતંત્રતા ધરાવે છે.
શું હવે જામીનની જોગવાઈ દાખલ કર્યા બાદ પણ કૉંગ્રેસ, બહુજન સમાજ પક્ષ અને તૃણમૂલ કૉંગ્રેસ ખરડાનો વિરોધ કરવાનું ચાલુ રાખશે એવી રવિશંકર પ્રસાદે શંકા વ્યક્ત કરી હતી.
દહેજ કાયદા હેઠળ મુસ્લિમો અને અન્યો જેલમાં જાય છે. ઘરેલું હિંસા કાયદા હેઠળ પણ તેઓ જેલમાં જાય છે. તો પછી ટ્રિપલ તલાક માટે જેલની સજાનો શા માટે વિરોધ કરે છે એમ જણાવીને તેમણે ઉમેર્યું હતું કે આ ખરડો લિંગ સમાનતા હાંસલ કરવાનો ઉદ્દેશ ધરાવતો હોવાથી સોનિયા ગાંધી, માયાવતી અને મમતા બેનર્જીએ તેનો વિરોધ કરવો નહીં જોઈએ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer