દાઉદનું મકાન સૈફી બુરહાની ટ્રસ્ટે રૂા. 3.51 કરોડમાં ખરીદ્યું

મુંબઈ, તા. 10 : અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભીંડીબજારસ્થિત મકાનનું ગઈકાલે લિલામ થયું છે. સૈફી બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટ (એસબીયુટી)એ આ મકાન રૂા. 3.51 કરોડમાં ખરીદ્યું છે.
નાણામંત્રાલયના રાફેમા ઍક્ટ હેઠળ ભીંડીબજારમાંના દાઉદના અમીના મેન્શનથી લિલામની શરૂઆત કરાઈ છે. આ લિલામમાં બોલી બોલનારા બેમાં એક એસબીયુટી અને બીજા ભૂપેન્દ્ર ભારદ્વાજ હતા જ્યારે અખિલ ભારતીય મહાસભાએ લિલામમાંથી નામ પાછું ખેંચી લીધું હતું.
લિલામીમાં સંપત્તિનું મૂલ્ય રૂા. 79 લાખ રખાયું હતું. દિલ્હીના વકીલ ભૂપેન્દ્રએ લિલામીપત્રમાં તેનું મૂલ્ય રૂા. 1.91 કરોડ દર્શાવ્યું હતું, જ્યારે એસબીયુટીએ રૂા. 3.51 કરોડની બોલી કરી હતી. આમ ગુરુવારે સવારે 10 વાગ્યે ભીંડીબજારનું અમીના મેન્શન એસબીયુટીને અપાઈ ગયું હતું.
અખિલ ભારતીય હિંદુ મહાસભા દાઉદની સંપત્તિને લિલામીમાં ખરી રીતે તેને જાહેર શૌચાલયમાં ફેરવી દેવા માગતી હતી પણ છેલ્લી ઘડીએ રૂા. 25 લાખ જેવી રકમ જમા કરાવી ન શકાતાં આ સંસ્થા લિલામમાં ભાગ લઈ શકી નહીં. આને શૌચાલયમાં પરિવર્તિત કરવા પાછળનો અમારો ઉદ્દેશ એ બતાવવાનો હતો કે આતંકનો અંત કેવો હોઈ શકે? અમીના મેન્શન જર્જરિત સ્થિતિમાં છે અને તેમાં રહેનારાઓનાજીવને જોખમ છે એટલે અમે લિલામમાં ભાગ લીધો અને હવે અમે આને ભીંડીબજારના પુન:વિકાસમાં સામેલ કરશું એમ એસબીયુટીના પ્રવક્તાએ જણાવ્યું હતું.
અગાઉ નવેમ્બર 2017માં દાઉદની સંપત્તિનું લિલામ કરાયું હતું જેમાં એસબીયુટીએ દાઉદની ભીંડી બજારમાંની ત્રણ મિલકતો ખરીદી હતી જેમાં શબનમ ગેસ્ટ હાઉસ, હૉટલ અફરોઝ શાહ અને ડાંબરવાલા બિલ્ડિંગના છ ફ્લેટનો સમાવેશ થાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer