પ. રે. AC ટ્રેનમાં બપોરે પ્રવાસ કરવા ફર્સ્ટ ક્લાસના પ્રવાસીઓને આપશે મંજૂરી

મુંબઈ, તા. 10 : મુંબઈની નવી એરકંડિશન્ડ લોકલ ટ્રેન બપોરે 12થી 4માં તદ્દન ખાલી જતી હોવાથી પશ્ચિમ રેલવે (પ.રે.) તેમાં ફર્સ્ટ કલાસના પ્રવાસીઓને કોઈ પણ વધારાનો શુલ્ક લીધા વિના આ ગાળામાં મુસાફરી કરવા દેવાનું વિચારી રહી છે.
હાલ ફર્સ્ટ ક્લાસના પ્રવાસીઓને આ એસી ટ્રેનમાં ટિકિટ ભાડાંની તફાવતની રકમ ચૂકવી પ્રવાસ કરવા દેવાય છે. પ.રે. એ કમ્યુટર પેટર્નના અભ્યાસ તેમ જ પીક અને નોન-પીક અવર્સ દરમિયાન લોકલ ટ્રેન પરની કમાણીનો અભ્યાસ કર્યા બાદ તેની દરખાસ્ત રેલવે બોર્ડને મોકલી આપી છે.
દરરોજ ચાર નોન-પીક અવર્સમાં સરેરાશ 2348 પ્રવાસીઓ નિયમિત લોકલ ટ્રેનમાં જતાં પ.રે.ને રૂા. 17,403ની આવક થાય છે જ્યારે આ સમયગાળામાં એસી લોકલમાં ફક્ત 1038 પ્રવાસીઓ મુસાફરી કરે છે અને તેને રૂા. 44,828ની આવક થાય છે.
ફર્સ્ટ કલાસના ટિકિટ ધારકોને આ સુવિધા આપવાથી પ.રે.ની આવકમાં નોંધપાત્ર વધારો કરવાનું વિચારી શકાય છે.
આ અંગેનો નિર્ણય વિગતવાર અભ્યાસ કર્યા બાદ લેવામાં આવશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
રેલવે બોર્ડે 2018ના પ્રારંભે પશ્ચિમ રેલવેને એસી ટ્રેનની સવારી વધારવા રાહતના ભાડાં ચાલુ રાખવા જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer