હવે મોબાઈલ ફોન પર ડ્રાઈવિંગ લાઇસન્સ બતાવી શકાશે

મુંબઈ, તા. 10 : આજથી તમારા ડ્રાઈવિંગ લાઇસન્સ અને કાર રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી)નું ડિજિટલ ફોર્મેટ (પીડીએફ નહીં) તમે મોબાઈલ ફોનમાંથી બતાવી શકો છો કેમ કે આરટીઓ, ટ્રાફિક પોલીસ કે કોઈ પણ સરકારી એજન્સીની તેને સ્વીકૃતિ છે.
રાજ્યના ટ્રાન્સપોર્ટ કમિશનર શેખર અન્નેએ જણાવ્યું હતું કે `મેં સમગ્ર મહારાષ્ટ્રની એન્ફોર્સમેન્ટ એજન્સીઓને ડિજિટલ લાઈસન્સ અને આરસીને સ્વીકૃત ગણવાનો આદેશ અપ્યો છે. કોઈ વ્યક્તિ ટ્રાફિક નિયમોનો ભંગ કરતાં પકડાય અને તેની પાસે સ્માર્ટકાર્ડ ન હોય તો તે મોટર વેહીકલ્સ એક્ટ હેઠળ માન્ય દસ્તાવેજ તરીકે સેલફોન કે ડિજીલોકર અથવા એમ-પરિવહન પ્લેટફૉર્મ દ્વારા તેની ડિજિટલ કૉપી બતાવી શકશે.'
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે તમામ રાજ્યોને એડવાઈઝરી આપ્યા બાદ આમ કરાયું છે. મંત્રાલય આઈટી એક્ટની જોગવાઈઓ દર્શાવી આમ કરવા જણાવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ડીજીલોકર અથવા એમ-પરિવહન ઍપ મારફત ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રજૂ કરાયેલા કોઈ પણ વેહીકલ ડૉક્યુમેન્ટને માન્ય રખાશે.
મહારાષ્ટ્રમાં એવો અતિરિક્ત નિયમ છે કે લાઈસન્સ જપ્ત કરવું પડે અને એન્ફોર્સમેન્ટ એજન્સી, ડિજિટલ તેમ કરવા અસમર્થ હોય તો અધિકારીઓ તેને સાત દિવસમાં સરેન્ડર કરવાનું જણાવતી નોટિસ કસૂરવારને જારી કરી
શકે છે.
ડીજીલોકર એન્ડ્રોઈડ ફોન પર ઉપલબ્ધ છે જ્યારે એમ-પરિવહન 7થી 10 દિવસમાં આઈ-ફોન પર ઉપલબ્ધ કરાવાશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer