મુસ્લિમ યુવતીઓ માટે NGOએ કરી હૉસ્ટેલની માગણી

મુંબઈ, તા. 10 : ઇસ્લામિક સાંસ્કૃતિક કેન્દ્રની માગ બાદ એક મુસ્લિમ એનજીઓએ કલેક્ટરને પત્ર લખી શહેરમાં મુસ્લિમ યુવતીઓ માટે હૉસ્ટેલની માગણી કરી છે.
કલેક્ટરને લખેલા પત્રમાં અૉલ ઇન્ડિયા મિલી કાઉન્સિલ (મહારાષ્ટ્ર)ના જનરલ સેક્રેટરી એમ. એ. ખાલીદે જણાવ્યું છે કે રહેવાનું યોગ્ય સ્થળ ન હોવાથી અનેક મુસ્લિમ વિદ્યાર્થિનીઓ નીટ, એઈમ્સ અને બીજી સિવિલ સર્વિસ માટેની સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકતી નથી.
મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં રહેતી અનેક પ્રતિભાશાળી મુસ્લિમ વિદ્યાર્થિનીઓ આઈઆઈટી અને નીટ (મેડિકલ) જેવી પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે કોચિંગ સંસ્થાઓમાં જોડાવા મુંબઈ આવવા માગતી હોય છે પણ મુંબઈમાં રહેવાનું યોગ્ય સ્થળ નહીં હોવાને લીધે તેમનાં માતા-પિતાએ આવી પરીક્ષા આપવાની ના પાડવી પડે છે.
અનેક માતા-પિતા મોંઘીદાટ ફીને કારણે પણ ખાનગી રેસિડેન્સિયલ કોચિંગ સેન્ટરોમાં મોકલવા રાજી નથી હોતા એમ ખાલીદે પત્રમાં જણાવ્યું હતું.
ખાલીદ અને ભૂતપૂર્વ એમએલએ સોહેલ લોખંડવાલાએ કલેક્ટરને મળીને એવું સૂચન કર્યું હતું કે અગ્રીપાડામાં જ્યાં ઉર્દૂ ભવન બાંધવાની દરખાસ્ત છે ત્યાંના ખાલી સરકારી પ્લોટ પર આવી હૉસ્ટેલ બાંધી શકાય છે.
દરમિયાન કલેક્ટરે આ બાબતમાં તપાસ કરવાનું તેમને વચન આપ્યું હતું, એમ ખાલીદે જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer