ગોલ્ડ કાઉન્સિલ સ્થાપવાનો નિર્ણય

ગોલ્ડ કાઉન્સિલ સ્થાપવાનો નિર્ણય
મુંબઈ, તા. 10 : સરકારે વ્યાપક ગોલ્ડ પૉલિસીના મુદ્દાના પ્રથમ પગલાંરૂપે ઉદ્યોગ સાથે સંકળાયેલા ડઝનેક લોકોની એડહોક સમિતિ બનાવી છે. વાણિજ્યપ્રધાન સુરેશ પ્રભુના જણાવ્યા મુજબ આ સમિતિ ગોલ્ડ ઍન્ડ જ્વેલરીની ડોમેસ્ટિક કાઉન્સિલનું માળખું તૈયાર કરશે. કાઉન્સિલમાં કારીગરથી માંડીને જ્વેલર અને બુલિયન ટ્રેડરને પ્રતિનિધિત્વ મળશે જે તેની વિશેષતા હશે.
પ્રભુએ જણાવ્યું હતું કે ભારતમાં પહેલી વખત અમે સ્થાનિક ગોલ્ડ કાઉન્સિલની રચના કરી રહ્યા છીએ. વડા પ્રધાનનું વિઝન સોનાને વિશ્વભરમાં નિકાસ થતી કૉમોડિટી બનાવવાનું છે. ભારતનાં લગભગ દરેક ગામડાંમાં જ્વેલર છે. તેઓ કસ્મમાઈઝ્ડ જ્વેલરી બનાવે છે, તો હેન્ડમેડ ઘરેણાં બનાવતા જ્વેલર્સ પણ છે. વૈશ્વિક બજારમાં કસ્ટમાઈઝ્ડ અને હેન્ડમેડ જ્વેલરીની નિકાસની પુષ્કળ સંભાવના છે. તે ભારતમાં રોજગારી સર્જનને ઉત્તેજન આપશે.  સ્થાનિક ગોલ્ડ કાઉન્સિલની રચના ઉપરાંત નિકાસ પ્રોત્સાહન આપવા સક્રિય છીએ. આ માટેની વ્યૂહરચના ઘડી કાઢી છે. એડહોક સમિતિમાં ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશન, જેમ ઍન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ, તામિલનાડુ જ્વેલર્સ ફેડરેશન અને ઇન્ડિયા જ્વેલર્સ ફોરમ સામેલ હશે.
જેમ ઍન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (જીજેસી)ના ચૅરમૅન નીતિન ખંડેલવાલે કહ્યું હતું કે કમિટીની તાત્કાલિક મેમ્બરશિપ માટે તેમને જાણ નહોતી પણ તેની માહિતી એક-બે દિવસમાં મળી જશે. ભારતની જ્વેલરી માર્કેટનાં કેટલાંય નાનાં જ્વેલરી સંગઠનો કે સંસ્થાઓ વિવિધ રાજ્યોમાં નાના સ્વરૂપમાં વહેંચાઈ ગયેલાં છે જે જ્વેલરીના વેપાર-ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરે છે.
 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer