એન્ટિગુઆનો મેહુલ ચોક્સીને સોંપવાનો ઇનકાર


નવી દિલ્હી, તા. 14 : એન્ટિગુઆ સરકારે ભારતને ઝાટકો આપતાં ફરાર આરોપી મેહુલ ચોક્સીને સોંપવાનો ઈનકાર કર્યો છે. આ સાથે જ એન્ટિગુઆ સરકારે મેહુલની ઔપચારિક રીતે ધરપકડ કરવાનો પણ ઈનકાર કર્યો છે.  ઈડીના સૂત્રોએ આ જાણકારી આપી હતી.
સૂત્રો અનુસાર, એન્ટિગુઆ સરકારે જણાવ્યું હતું કે, તેમનું બંધારણ ચોક્સીનું રક્ષણ કરે છે, કેમ કે ચોક્સીને નિયમો મુજબ તેમના દેશની નાગરિકતા આપવામાં આવી છે અને તેથી ન તો તેનો પાસપોર્ટ રદ કરી શકાય કે ન તો તેને પ્રત્યાર્પિત કરી શકાય તેમ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, એન્ટિગુઆ સરકારે રાષ્ટ્રમંડળ દેશ અધિનિયમ હેઠળ ભારતનો દાવો માન્ય રાખ્યો નથી. એન્ટિગુઆ સરકારે જણાવ્યું હતું કે, ભારતની સાથે તેની કોઈ પ્રત્યાર્પણ સંધિ નથી.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગત નવમી ઓગસ્ટે ભારત તરફથી કહેવામાં આવ્યું હતું કે, એન્ટિગુઆ અને બારબુડા મેહુલ ચોક્સીને પ્રત્યાર્પણ અંગેના તેના અનુરોધ પર વિચારણા કરી રહ્યું છે. ચોક્સી ભારતના સૌથી મોટા બેન્કિંગ ગોટાળામાં વોન્ટેડ છે અને વર્તમાનમાં આ કેરેબિયન દેશમાં  છે.
વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના નેતૃત્વમાં એક ભારતીય ટીમે ગત ત્રીજી ઓગસ્ટે એન્ટિગુઆને ચોક્સીના પ્રત્યાર્પણ માટે એક અનુરોધપત્ર સોંપ્યો હતો. ચોક્સીએ આ ટાપુ દેશની નાગરિકતા પ્રાપ્ત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે આ મુદ્દા પર પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, અમને બતાવવામાં આવ્યું હતું કે તેઓ (એન્ટિગુઆના પ્રાધિકારી) અનુરોધ (પ્રત્યાર્પણ) પર વિચારણા કરી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer