મનસેના નગરસેવક સંજય તુર્ડેને 16 અૉગસ્ટ સુધી પોલીસ-કસ્ટડી

મનસેના નગરસેવક સંજય તુર્ડેને 16 અૉગસ્ટ સુધી પોલીસ-કસ્ટડી

મુંબઈ,  તા. 14 : મહાપાલિકાના કૉન્ટ્રૅક્ટર અને એન્જિનિયરની મારપીટ કરવા બદલ મનસેના નગરસેવક સંજય તુર્ડેને કોર્ટે 16 અૉગસ્ટ સુધી પોલીસ-કસ્ટડી આપી છે. 
મારપીટ પ્રકરણમાં મુંબઈ મહાનગરપાલિકાના વૉર્ડ-નંબર 166 ના નગરસેવક સંજય તુર્ડેની કુર્લા પોલીસે ધરપકડ કરી હતી. પાલિકાના કૉન્ટ્રૅક્ટરની મારપીટ કરવી, ખંડણી માગવી અને અપહરણ કરવા બદલ સંજય વિરુદ્ધ ગુનો નોંધીને આજે સવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. સંજય અને તેમના ત્રણ સાથીદારોને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. 
એક કૉન્ટ્રૅક્ટરને `એલ' વૉર્ડમાં શૌચાલય બાંધવાનો કૉન્ટ્રૅક્ટ અપાયો હતો. આઠ મહિના પહેલાં કુર્લાનું શૌચાલય તોડી પડાયું હતું, પરંતુ તેમણે કોઈ કામ કર્યું નહોતું. સંજય તુર્ડેએ આ બાબતે પ્રશ્ન પૂછતાં કૉન્ટ્રૅક્ટર અને તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉપનગરમાં અનેક જગ્યાએ આ કૉન્ટ્રૅક્ટરે કામ અધૂરાં રાખ્યાં છે. મનસેમાંથી શિવસેનામાં પ્રવેશેલા અને સુધાર સમિતિનું અધ્યક્ષપદ મેળવનારા નગરસેવક દિલીપ લાંડેનો એમાં હાથ હોવાનો આક્ષેપ મનસેએ કર્યો હતો. 
દરમ્યાન તુર્ડેએ પાલિકાના `એલ' વૉર્ડમાં આવીને મારપીટ કરી હોવાનો આક્ષેપ કૉન્ટ્રૅક્ટરે કર્યો હતો એથી કુર્લા પોલીસે આજે સંજયની ધરપકડ કરીને કોર્ટમાં હાજર કર્યા હતા અને કોર્ટે તેમને 16 અૉગસ્ટ સુધી પોલીસ-કસ્ટડી આપી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer