અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : સોનામાં કડાકો સર્જાતા 19 મહિનાની નવી નીચી સપાટી બની હતી. ન્યૂ યોર્કમાં 1159 ડોલર પ્રતિ ઔંસના ભાવ થયા હતા. જોકે ચીન અને અમેરિકા વેપારયુદ્ધ અંગેની વાતચીત ચાલુ મહિને બંધ કરી દેશે તેવા સમાચાર આવતા ડોલરમાં નરમાઇ આવવાથી સોનામાં ફરી પ્રત્યાઘાતી સુધારો જોવા મળ્યો હતો. ડોલર ઘટયા પછી સોનું 1180 સુધી પહોંચ્યું હતું. જોકે હવે સોનાની બજારનું સેન્ટિમેન્ટ નકારાત્મક થઇ ગયું છે.
ચીન અને અમેરિકાના પ્રતિનિધિ મંડળો વચ્ચે બેઠક થઇ હતી. વાટાઘાટો કરીને વેપારયુદ્ધ અને જકાત અંગેની ગૂંચનો ઉકેલ લાવવા માટેનો હેતુ રહ્યો હતો. જોકે આવી વાટાઘાટો અસરકારક રહી ન હતી અને હવે બન્ને દેશો વેપારયુદ્ધ કે સામસામે લગાવવામાં આવેલી જકાત મુદ્દે વાતચીત નહીં કરે તેવા સમાચારો આવવા લાગતા સોનાની બજારમાં આવેલી મંદી અટકી ગઇ હતી. ડોલર નરમ પડયો હતો. છતાં ડોલરમાં આવેલી તેજી સામે સોનું હજુ રોકાણકારો અને ફંડોને મોંઘું લાગી રહ્યું છે એટલે માગમાં વધારો થાય તેમ નથી. વિશ્લેષકો કહે છે, ડોલરની તેજી મંદ પડે અને પ્રત્યાઘાતી ઘટાડો આવે તો સોનામાં સુધારો શક્ય છે પણ હાલ એવા કોઇ સંજોગ દેખાતા નથી. ચલણ બજારમાં ડોલરનું મૂલ્ય ફેબ્રુઆરી પછી 8 ટકા જેટલું વધી ગયું છે. સોનામાં પણ એ જ ઢબે મંદી થઇ છે.
એફસીએસટોનના વિશ્લેષક એડવર્ડ મીર કહે છે, ડોલરની તેજી અને અમેરિકાના ઊંચા વ્યાજદર સોના માટે નકારાત્મક કારણ બની રહેવાના છે. હજુ તેજીની શક્યતા બહુ ઓછી છે. જોકે 1159 ડોલરનું તળિયું આજે જોવા મળ્યું હતું તે મજબૂત ટેકારૂપે હવે કામ કરશે.
સોનાની અસરથી ચાંદીમાં પણ મંદી થતા 14.55 ડોલરના ભાવ હતા. રાજકોટમાં ચાંદીનો ભાવ એક કિલોએ રૂા. 700ના ઘટાડામાં રૂા. 37,500 હતો. મુંબઇમાં રૂા. 740 તૂટી જતા રૂા. 36,790 હતો. રાજકોટમાં 24 કેરેટ સોનું 10 ગ્રામે રૂા. 180 ઘટીને રૂા. 30,420 અને મુંબઇમાં રૂા. 185 ઘટતા રૂા. 29,520 હતું.
સોનું 19 મહિનાના તળિયેથી ઊંચકાયું
