રૂપિયાનું ધોવાણ અને આયાતી ખર્ચ વધારાની અસર

રૂપિયાનું ધોવાણ અને આયાતી ખર્ચ વધારાની અસર
મારુતિએ કારના ભાવ આજથી વધાર્યા
 
નવી દિલ્હી, તા. 16 : દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ તેના તમામ મોડલના વાહનના ભાવમાં રૂા. 6,100 સુધીનો વધારો કર્યો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે નવા ભાવ તત્કાળ અમલમાં આવશે. કંપનીએ રૂપિયાના ચલણના મૂલ્યમાં વધઘટ, કાચામાલના ભાવમાં વધારો અને વિતરણનો ખર્ચ વધવાનું કારણ આ ભાવવધારા માટે આપ્યું છે. જર્મનીની મર્સિડિઝ બેન્ઝ કંપનીએ પણ સપ્ટેમ્બર '18થી કારના ભાવમાં ચાર ટકાનો વધારો જાહેર કર્યો છે.
મારુતિએ જણાવ્યું છે કે `અલ્ટો-800થી મીડસાઇઝ સેડન સીઆઝ સુધીના તમામ કાર મોડલના ભાવ વધીને રૂા. 2.51 લાખથી રૂા. 11.51 લાખ સુધી રહેશે. અગાઉ કંપનીના ડિરેક્ટર આર. એસ. કેલસીએ વધતા ખર્ચને કારણે ભાવવધારાનો સંકેત આપ્યો હતો.
મર્સિડિઝ બેન્ઝે જણાવ્યું છે કે વૈશ્વિક પરિબળો અને કાચા માલના વધતા ખર્ચ સાથે રૂપિયાના મૂલ્યમાં ઘસારાને લીધે ભાવવધારો અનિવાર્ય બન્યો છે. સપ્ટેમ્બરથી કંપની મોડલ પ્રમાણે તમામ કારના ભાવમાં 4 ટકા સુધીનો ભાવવધારો થશે, છેલ્લા આઠ મહિના દરમિયાન યુરો સામે રૂપિયો પાંચ ટકા ઘટયા સાથે ભારતમાં વ્યાજદર 0.50 બેસીસ પોઇન્ટ વધવાથી કંપનીનો ઉત્પાદન ખર્ચ વધ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer