નબળા વિનિમય દર અને એશિયાનાં બજારોથી સેન્સેક્ષમાં ફરી 188 પૉઈન્ટનું ગાબડું

નબળા વિનિમય દર અને એશિયાનાં બજારોથી સેન્સેક્ષમાં ફરી 188 પૉઈન્ટનું ગાબડું
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : એક દિવસની તેજી પછી ગુરુવારે શૅરબજારમાં ફરી ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. રૂપિયાનો ઘસારો અને એશિયાનાં બજારોના નકારાત્મક સંકેતોને પગલે સૂચકાંકો ઘટયા હતા. આઈટી, ફાર્મા અને અૉટો શૅર્સમાં વધારો નોંધાયો હતો, પરંતુ બૅન્કના શૅર્સમાં ઘટાડાને લીધે બજાર વધુ પ્રભાવિત થયું હતું. ઉપરાંત ટર્કીમાં રાજકીય કટોકટી અને યુએસ-ચીન ટ્રેડવોરને લીધે રોકાણકારોનાં સેન્ટિમેન્ટ ખોરવાયાં હોવાથી સ્થાનિક બંને ઈક્વિટી બેન્ચમાર્ક નબળા રહ્યા હતા. 
યુએસ ડૉલર સામે રૂપિયો વિક્રમી તળિયે 70.19એ ખૂલ્યો હતો. જોકે, તે પછી 70.39 સુધી સ્પર્શીને સાંજે 70.29ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. ટર્કીના ચલણ લીરામાં રિકવરીથી ઊભરતાં બજારોનાં ચલણમાં આંશિક સુધારો થયો હતો. ડૉલરમાં આંશિક ઘટાડો, લીરામાં થોડોક વધારો અને ચીનનો યુઆન સ્થિર થવાથી વ્યાપક બજારના ચલણમાં રાહત આવી શકે છે. 
ચીને આ મહિના પછી અમેરિકા સાથે વાતચીત કરવાની ઈચ્છા દર્શાવતાં વૈશ્વિક બજારો આંશિક સુધર્યાં હતાં. તેમ છતાં સેન્સેક્ષ 188 પોઈન્ટ્સ (0.50 ટકા) ઘટીને 37,664 બંધ રહ્યો હતો. સેન્સેક્ષના 31 શૅર્સમાં 13 વધ્યા હતા, જ્યારે 18 શૅર્સ ઘટયા હતા. નિફ્ટી 50 પોઈન્ટ્સ (0.44 ટકા) ઘટીને 11,385 ઉપર બંધ રહ્યો હતો. નિફ્ટી-50ના 20 શૅર્સ વધ્યા હતા, જ્યારે 30 શૅર્સ ઘટયા હતા. બીએસઈના મિડકૅપ અને સ્મોલકૅપ સૂચકાંકો 0.48 ટકા સુધી ઘટયા હતા. સેન્સેક્ષમાં એચડીએફસી, કોટક મહિન્દ્રા બૅન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી અધિક ઘટયા હતા, જ્યારે ઈન્ફોસીસ, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બૅન્ક અને ઍક્સિસ બૅન્ક સૌથી અધિક વધ્યા હતા. 
રિલાયન્સનો જામનગરનો પ્લાન્ટ તાત્પૂરતો બંધ થવાના સમાચાર આવતાં શૅર એક ટકા જેટલો ઘટયો હતો, જ્યારે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને સન ફાર્માની ઓપ્થેલ્મિક દવાને મંજૂરી આપતાં કંપનીનો શૅર ત્રણ ટકા વધ્યો હતો. જૂન ત્રિમાસિકમાં કંપનીનો ચોખ્ખો નફો રૂા. 982.51 કરોડ થયો હતો, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂા. 424.92 કરોડની ખોટ હતી. 
નિફ્ટીમાં ડૉ.રેડ્ડી'સ લેબોરેટરીઝ, સન ફાર્મા, લુપિન અને ભારતી ઍરટેલના શૅર્સ સૌથી અધિક વધ્યા હતા. જ્યારે કોટક મહિન્દ્રા બૅન્ક, વેદાંત, ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈસીસ, એચડીએફસી, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ અને હિન્દાલકો ઈન્ડસ્ટ્રીઝના શૅર્સ સૌથી અધિક ઘટયા હતા. નિફ્ટી ફાર્મા, આઈટી અને અૉટો સૂચકાંક વધ્યા હતા અને એફએમસીજી સૂચકાંક લગભગ ફ્લેટ બંધ થયો હતો. નિફ્ટી મેટલ બે ટકાથી વધુ ઘટયો હતો. એનએસઈમાં 63 શૅર્સ બાવન અઠવાડિયાની નીચલી સપાટીને અને 46 શૅર્સ બાવન અઠવાડિયાની ઊપલી સપાટીને સ્પર્શયા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer