વાજપેયીને લીધે જ હું લોકસભાનો સ્પીકર બન્યો હતો : મનોહર જોશી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : ભાજપ અને ખાસ કરીને અટલ બિહારી વાજપેયીને લીધે હું લોકસભાનો સ્પીકર બન્યો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે હું પહોંચ્યો તેમાં પણ ભાજપ અને વાજપેયીનો ફાળો હતો એમ શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશીએ જણાવ્યું હતું.
મનોહર જોશીએ જણાવ્યું હતું કે હું લોકસભાનો સ્પીકર થઇશ એવું ધાર્યું નહોતું. ભાજપ અને વાજપેયીએ લોકસભાના અધ્યક્ષ બનાવવા માટે આગ્રહ રાખ્યો હતો. વાજપેયી વિના હું સ્પીકર બની શક્યો ન હોત. મહારાષ્ટ્રમાં પણ ભાજપના અને વાજપેયીના પૂર્ણ સહકારને લીધે જ 1995માં મુખ્ય પ્રધાન બની શકયો હતો. વાજપેયી મુશ્કેલીઓમાં માર્ગ કાઢનારા નેતા હતા.
બાળ ઠાકરે અને વાજપેયીના સંબંધો અંગે જોશીએ જણાવ્યું હતું કે હાસ્ય અને વિનોદ સાંભળવો હોય તો બંને સાથે બેસવું. તેની સાથોસાથ વહીવટ ચલાવતા કઠોર થવું પડે છે. તે અનુસાર બંને કઠોર થઈ શકતા હતા. જોકે ખૂબ જ રોષથી કે ઝઘડો કરીને કઠોર થવું એવું નથી. બંનેએ એકમેકને સમજી લીધા હતા. તેથી બંને પોતાના પક્ષોને સમજાવી શકયા હતા. હિન્દુત્વ અંગે બાળ ઠાકરેની ભૂમિકા `એક ઘા અને બે કટકા' એવી હતી. જોકે વાજપેયી વડા પ્રધાન હતા ત્યારે તેઓ હિન્દુત્વના મુદ્દાને સ્પર્શ્યા નહોતા.
શિવાજી મહારાજ અને વીર સાવરકરની સ્મૃતિ સાંસદો અને જનતા સુધી પહોંચાડવાની મારી ઇચ્છા પૂર્ણ કરવામાં વાજપેયીનો સંપૂર્ણ ટેકો હતો. તેથી મેં તે કામ હાથમાં લીધું હતું. ભાજપના પ્રમોદ મહાજન તે મુદ્દે વિવિધ નેતાઓને મળ્યા હતા. હાલ સભાગૃહમાં હિન્દુત્વનો મુદ્દો નથી પણ શિવાજી મહારાજ અને સાવરકરની તસવીરોને લીધે સંસદગૃહમાં હિન્દુત્વ દેખાઈ આવે છે. તેના માટે કારણ વાજપેયી જ છે, એમ જોશીએ ઉમેર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer