અટલજી મારા 65 વર્ષ જૂના અંગત મિત્ર હતા : અડવાણી

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 16 :  અટલ બિહારીને શ્રદ્ધાંજલિ આપતાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જણાવ્યું હતું કે, ``વાજપેયી મારા 65 વર્ષથી નજીકના મિત્ર હતા, મને તેમની ભારે ખોટ સાલશે.'' મને મારું દુ:ખ વ્યક્ત કરવા માટે શબ્દો જડતા નથી. મારા માટે અટલજી એક વરિષ્ઠ સાથી કરતાં વધુ મારા મિત્ર હતા. અમારી મિત્રતા 65 વર્ષથી હતી'' એમ અડવાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
આરએસએસના પ્રચારકો તરીકેના દિવસોને યાદ કરતાં અડવાણીએ જણાવ્યું હતું કે, હું આરએસએસના પ્રચારક તરીકેના દિવસોથી માંડીને ભારતીય જનસંઘની સ્થાપનાના દિવસો સુધીના અમારા લાંબા સહવાસની સ્મૃતિઓને આનંદથી વાગોળી રહ્યો છું. હું કટોકટી, ભારતીય જનતા પાર્ટીની રચના અને ત્યાર બાદ 1980માં ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો ત્યાં સુધી તેમની સાથે ગાળેલી પળોને ભૂલી શકું તેમ નથી એમ અડવાણીએ વધુમાં જણાવ્યું હતું.
``કેન્દ્રમાં પ્રથમ બિનકૉંગ્રેસી સ્થિર સરકારના પ્રણેતા તરીકે અટલજીને યાદ કરવામાં આવશે અને મને તેમની સાથે તેમના ડૅપ્યુટી તરીકે 6 વર્ષ કામ કરવાનો મોકો મળ્યો હતો. મારા વરિષ્ઠ નેતા તરીકે તેમણે મને હંમેશાં પ્રોત્સાહન આપ્યું હતું અને માર્ગદર્શન પૂરું પાડયું હતું'' એમ અડવાણીએ વધુમાં જણાવ્યું હતું.
ભારતે મહાન નેતા ગુમાવ્યા : રાષ્ટ્રપતિ કોવિન્દ
આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન અને ખરા ભારતીય મુત્સદી અટલ બિહારી વાજપેયીના નિધનના સમાચાર સાંભળીને અત્યંત દુ:ખ પહોંચ્યું છે. તેમની નેતાગીરી, દૂરંદેશી, પુખ્તતા તેમને એક કદાવર નેતા બનાવતી હતી. અટલજીના જવાથી દેશને ભારે ખોટ પડી છે'' એમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે જણાવ્યું હતું.
ભારતે એક મહાન નેતા ગુમાવ્યો છે, એમ ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરે જણાવ્યું હતું.
ભારતે એક મહાન સપૂત ગુમાવ્યા છે : રાહુલ ગાંધી
``ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી એક મહાન નેતા હતા અને તમામ લોકો તેમને ચાહતા હતા. અમે તેમના નિધનથી શોકાતુર છીએ. ભારતે એક મહાન સપૂત ગુમાવ્યો છે. અટલ બિહારી વાજપેયીને લાખો લોકો પ્યાર કરતા હતા. હું તેમના પરિવાર અને તેમના ચાહકો સમક્ષ શોક વ્યક્ત કરું છું. અમને તેમની ખોટ પડશે'' એમ કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.
રાષ્ટ્રને મોટી ખોટ પડી છે : મમતા બેનરજી
``અટલ બિહારી વાજપેયી હવે આપણી વચ્ચે રહ્યા નથી એ ઘણી જ દુ:ખદ બાબત છે. તેમના નિધનથી રાષ્ટ્રને મોટી ખોટ પડી છે. આપણને તેમની ઘણી બાબતો હંમેશાં યાદ આવતી રહેશે. તેમના પરિવારજનો અને ચાહકોને મારા વતીથી શોક વ્યક્ત કરું છું'' એમ પં. બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું.
અટલજીના નિધનથી ઘણું જ દુ:ખ થયું છે : પ્રણવદા
અટલજીના નિધનથી ઘણું જ દુ:ખ પહોંચ્યું છે એમ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું. વિપક્ષમાં રહીને વાજબી ટીકા કરનારા અને વડા પ્રધાન તરીકે હંમેશાં સર્વસંમતિ ઈચ્છનારા અટલજી એક ખરા `ડેમોક્રેટ' હતા. તેમના નિધનથી ભારતે મહાન સપૂત ગુમાવ્યો છે અને એક યુગનો અંત આવ્યો છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
વર્ણવી ન શકાય એવો આઘાત લાગ્યો છે : રાજનાથ સિંહ
``અટલજીના નિધનથી વર્ણવી ન શકાય એવો આઘાત લાગ્યો છે. તેમણે વિકસિત અને શક્તિશાળી ભારતનો વિચાર હંમેશાં ઉછેર્યો હતો, જેમાં એકતા, શાંતિ અને ભાઈચારા સાથે તમામ લોકો જીવી શકે,'' એમ ગૃહપ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું.
``અટલજી એક ખરા અજાતશત્રુ હતા, જેમના રાજકીય જીવનમાં અનેક મિત્રો હતા. તેઓ રાજકીય સર્વસંમતિમાં માનતા હતા. અટલજીના નિધનથી દેશે એક મુત્સદી નેતા ગુમાવ્યો છે. મને અંગત રીતે મોટી ખોટ પડી છે. લાખો ભારતીયોની જેમ મેં પણ અટલજીના જીવનમાંથી પ્રેરણા મેળવી છે. તેમના આત્માને શાંતિ મળે.''

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer