મગફળીકાંડ મુદ્દે પરેશ ધાનાણી ગાંધી આશ્રમની સામે 72 કલાકના ધરણા પર


અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.16 :  મગફળીકાંડ કૌભાંડમાં ન્યાયિક તપાસની માગણી સાથે  વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આજે ગાંધી આશ્રમની સામે 72 કલાકના ધરણા પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે, પરેશ ધાનાણીએ 4000 કરોડ રૂપિયાના મગફળીકાંડમાં મલાઇ કોણ તારવી ગયું એવા આરોપ સાથે પેઢલા ગામે પ્રતીક ધરણા કર્યા બાદ શાપર, રાજકોટ જૂના માર્કેટ યાર્ડ, જામનગરના હાપા, ભાવનગર સહિતનાં સ્થળોએ ધરણા યોજ્યા હતા. તાજેતરમાં અમદાવાદમાં કલેક્ટર કચેરી બહાર ધરણા યોજી મગફળીકાંડમાં હાઇ કોર્ટના વર્તમાન જજની અધ્યક્ષતામાં ન્યાયિક તપાસની માગણી કરી હતી. આ ધરણામાં ગુજરાત કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ જોડાયા હતા. 
આજરોજ 72 કલાકના  ધરણા પર ઊતરતાં પહેલાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તેઓએ ગાંધી આશ્રમમાં ગાંધીજી જ્યાં નિવાસ કરતા હતા તે હૃદયકુંજ ખાતે ગાંધીજીની પ્રતિમા સમક્ષ ઘૂંટણિયે બેસીને નમન કર્યા હતા. જે બાદ હૃદયકુંજના ઓટલા પર બેસીને થોડો સમય મૌન પાળ્યું હતું. ત્યારબાદ તેઓ ઉપવાસ સ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ 72 કલાક સુધી અન્નત્યાગ કરી ઉપવાસનો કાર્યક્રમ આરંભ્યો હતો. આ સમયે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, જગદીશ ઠાકોર, રાજુ પરમાર, ધારાસભ્ય શૈલેષ પરમાર, પૂંજાભાઇ ગામિત, શશિકાંત પટેલ, દિનેશ શર્મા સહિતના નેતાઓ તેમની સાથે ધરણામાં જોડાયા હતા. તંત્ર દ્વારા 18મી અૉગસ્ટના રોજ સાંજે 6 વાગ્યા સુધી ઉપવાસ આંદોલનને પરવાનગી આપવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer