ગોરેગામ ફ્લાયઓવર વાહનો માટે તૈયાર શિવસેના મુહૂર્ત નક્કી કરે પછી તેને ખુલ્લો મુકાશે


મુંબઈ, તા. 16 : ગોરેગામમાં પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના ફ્લાયઓવરનું કામ પાલિકાએ પૂર્ણ કર્યું છે. આ ફ્લાયઓવરનું બાંધકામની ગુણવત્તાની ચકાસણી ગત રવિવારે કરવામાં આવી હતી. જોકે, તેને ખુલ્લો મૂકવામાં વિલંબ થઈ રહ્યો છે. તેથી સામાન્ય નાગરિકોને ભારે અગવડ સહન કરવી પડી રહી છે.
ગોરેગામમાં એમટીએનએલ જંકશનને પાર કરતો વીર સાવરકર ફ્લાયઓવર એસ. વી. રોડના ઉપરના વાહનોને વેઠવી પડતી અગવડ નિવારવા માટે બનાવવામાં આવ્યો છે. આ ફ્લાયઓવરને લીધે ગોરેગામ અને મલાડના રહેવાસીઓની અને તેમાંય ખાસ કરીને વાહનચાલકોની અગવડ ઘટી શકે એમ છે.
મુંબઈ પાલિકામાં શિવસેનાની સત્તા છે. આ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કોના હસ્તે કરાવવું એ વિશે શિવસેના હજી અનિર્ણિત છે.
ભાજપના નગરસેવક સંદીપ પટેલે જણાવ્યું હતું કે મેં અને મારા કાર્યકરોએ બુધવારે ફ્લાયઓવરનું નિરીક્ષણ કર્યું હતું અને તે વાપરવા યોગ્ય છે, એમ જણાવવામાં આવ્યું છે. આ પુલને સ્વાતંત્ર્ય દિનના દિવસે ખુલ્લો મૂકવામાં આવ્યો હોત તો નાગરિકોની અગવડ ઘટાડવામાં મદદ મળી શકી હોત.
પાલિકાના પુલ ખાતાના અધિકારીએ જણાવ્યું હતું કે ગત રવિવારે પુલ ઉપરથી ડમ્પર અને અન્ય ભારે વાહનો પસાર કરવામાં આવ્યા હતા. તેના દ્વારા પુલની ક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી. તેમાં પુલ સક્ષમ અને મજબૂત હોવાનું જણાયું હતું તેથી પુલને હવે વાહનો માટે ખુલ્લો મૂકી શકાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer