મુખ્ય પ્રધાનના આદેશ પ્રમાણે ચીમનીઓ હટાવો ત્યાર બાદ સુવર્ણકારો સાથે વાત થશે

મુખ્ય પ્રધાનના આદેશ પ્રમાણે ચીમનીઓ હટાવો ત્યાર બાદ સુવર્ણકારો સાથે વાત થશે
સી વૉર્ડના નવનિયુક્ત વૉર્ડ અૉફિસરને મુંબાદેવીના રહેવાસી, વેપારી પ્રતિનિધિઓનો સ્પષ્ટ જવાબ 
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના આદેશ પ્રમાણે જ્યાં સુધી મુંબાદેવી વિસ્તારમાંથી સુવર્ણકારોના કારખાનાઓની ઝેરી ધૂમાડા ઓકતી ગેરકાયદે ચીમનીઓનો સફાયો નહીં થાય ત્યાં સુધી સુવર્ણકારો સાથે કોઇ પણ પ્રકારની સંયુક્ત બેઠક શક્ય નથી, એવો સ્પષ્ટ ઉત્તર ભૂલેશ્વર-કાલબાદેવી રહેવાસી-વેપારી ઍસોસિયેશનના પ્રતિનિધિઓએ સી વૉર્ડના નવનિયુક્ત અૉફિસર અને પાલિકાના સહાયક કમિશનર સુનિલ સરદારને આજે આપ્યો હતો. 
સી વૉર્ડના નવા નિમાયેલા અૉફિસર સુનીલ સરદારે મુંબાદેવીની છેલ્લાં બે દાયકામાં વિકરાળ બનેલી સુવર્ણકારોના કારખાનાઓની ઝેરી ધૂમાડા ઓકતી ચીમનીઓની સમસ્યા અને કાનૂની લડતના મુદ્દા સમજવા માટે આજે સુવર્ણકારો અને રહેવાસી,વેપારીઓના પ્રતિનિધિઓની અલગ-અલગ બેઠક બોલાવી હતી. 
સવારે સુવર્ણકારોના ઍસોસિયેશનના પ્રતિનિધિઓ સી વૉર્ડની અૉફિસમાં સરદારને મળ્યા હતા અને ચીમનીઓ સામે પાલિકાની કાર્યવાહીથી તેમની રોજગારી છીનવાઇ રહી હોવાની તેમ જ અગાઉ પાલિકા અને પોલીસની કાર્યવાહી રોકવા સ્થાનિક રાજકારણીઓના નામ સાથેના અપીલ કરતા ચોપાનિયા મુંબાદેવીમાં વેચ્યા હતા, એ સહિતની દલિલો કરીને આ કાર્યવાહી રોકવાની અપીલ કરી હતી, એમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.
બપોર બાદ ભૂલેશ્વર રેસિડેન્ટ એન્ડ ટ્રેડર્સ ઍસોસિયેશનના પ્રતિનિધિઓ સાથે સરદારની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રહેવાસી ઍસોસિયેશન તરફથી વિજયભાઇ શાહ (પેટીવાલા), હરકિસનભાઇ ગોરડિયા, દેવેન્દ્ર શાહ  તેમ જ વેપારી અગ્રણી કનૈયાલાલ રાવલ સહિતના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ગોરડિયાએ બેઠકની વિગતો આપતા જણાવ્યું હતું કે સરદારે અમારી રજૂઆત સાંભળ્યા બાદ જણાવ્યું હતું કે સવારે સુવર્ણકારોના પ્રતિનિધિઓ સાથે બેઠક થઇ હતી અને હવે તમારી રજૂઆત પણ સાંભળી છે. હવે આપણે સંયુક્ત બેઠક યોજીને આ મુશ્કેલીમાંથી વચલો રસ્તો કાઢીશું. 
ગોરડિયાએ જણાવ્યું હતું કે સરદારની આ વાત અમને યોગ્ય નહોતી લાગી તેથી અમે તેમને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે છેલ્લાં બે દાયકાથી રહેવાસીઓ અને વેપારીઓ ચીમનીઓની સમસ્યા સામે કાનૂની લડત લડી રહ્યાં છે. સુવર્ણકારોની અરજીઓ સમયાંતરે કોર્ટે પણ ફગાવી દીધી છે. છેક મુખ્ય પ્રધાન સુધી રજૂઆત કર્યા બાદ જાન્યુઆરીમાં તેમણે પાલિકાને આદેશ કર્યો હતો કે 90 દિવસમાં ચીમનીઓ હટાવો. માર્ચ સુધીની આ મુદત પૂરી થયા બાદ હવે અૉગસ્ટ પણ અડધો વીતી ગયો છતાં પાલિકાની ધકેલ પંચા દોઢસો જેવી કાર્યવાહી અને પ્રશાસનિક અડચણોના કારણે આ સમસ્યા ઠેરની ઠેર છે.
રહેવાસી અને વેપારી પ્રતિનિધિઓએ સરદારને સ્પષ્ટ ઉત્તર આપતા કહ્યું હતું કે પહેલા મુખ્ય પ્રધાનના આદેશનું પાલન કરીને ચીમનીઓનું દૂષણ નેસ્તનાબૂદ કરો, ત્યાર બાદ સંયુક્ત બેઠક રાખો. ગોરડિયાના જણાવ્યા પ્રમાણે આમાં વચલો રસ્તો શું હોઇ શકે, એ જ અમને નથી સમજાતું. મુંબાદેવીની લગભગ તમામ બિલ્ડિંગોમાં ચીમનીઓના ધૂમાડાના કારણે ઘરે-ઘરમાં ચામડીના વિકાર કે શ્વાસોચ્છવાસ સંબંધી બીમારીઓના કેસ નોંધાઇ ચૂક્યા છે. સુવર્ણકારોના કારણે આ વિસ્તારમાં સામાજિક સમસ્યાઓ પણ પાર વગરની છે અને નાની-નાની કોટડીઓમાં ગેસથી સુવર્ણના દાગીનાને ઘાટ ઘડવાનું કામ થાય છે તે જોખમી છે. અમારો વિસ્તાર જીવતા નરકમાં ફેરવાઇ ગયો છે. 
આજની બેઠકમાં વૉર્ડ અૉફિસરે કર્મચારીઓ-અધિકારીઓની અછત અને અન્ય પ્રશાસનિક અડચણો હોવાનું જણાવી પોતે ઉચ્ચસ્તરે રજૂઆત કરી હોવાનું પણ કહ્યું હતું. હવે પછી ચીમનીઓની કાર્યવાહી ક્યારે એવા સવાલનો કોઇ સંતોષજનક ઉત્તર સરદારે નહોતો આપ્યો એમ પણ ગોરડિયાએ જણાવ્યું હતું. 
વૉર્ડ અૉફિસર અને બિલ્ડિંગ તેમ જ લાઈસન્સ વિભાગના બે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા બાદ આ વૉર્ડમાં ત્રણ ટોચની જગ્યાઓ ખાલી પડી હતી, તેમાંથી માત્ર વૉર્ડ અૉફિસર તરીકે સરદારની નિમણૂક કરાઇ છે. ગોરડિયાએ કહ્યું હતું કે હાલમાં તહેવારોની સિઝન હોવાથી આજે પણ વૉર્ડ અૉફિસમાં ત્રીજા વર્ગના કર્મચારીઓ જ હાજર હતા. બાકીના અધિકારીઓ અને કર્મચારીઓ છૂટ્ટી પર છે. 
પોલીસ પણ તહેવારોમાં અન્ય બંદોબસ્તમાં રોકાયેલી રહેવાથી ચીમનીઓ સામે કાર્યવાહી મંથર ગતિએ ચાલે છે. પાલિકા ચીમનીઓ તોડી પાડે ત્યાર બાદ ફરીથી સુવર્ણકારો પોતાનું કામ કરતા રહે છે. પ્રશાસન તેમની સામે કડક કાર્યવાહી નહીં કરે અને ચીમનીઓ નહીં હટાવે ત્યાં સુધી અમે કોઇ સંયુક્ત બેઠકમાં ભાગ નથી લેવાના.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer