ડૉલરની સામે રૂપિયો આજ સુધીના સૌથી નીચા 70.32ના ભાવે પહોંચ્યો

ડૉલરની સામે રૂપિયો આજ સુધીના સૌથી નીચા 70.32ના ભાવે પહોંચ્યો
નવી દિલ્હી, તા.16:  ગુરૂવારે ભારતીય ચલણ રૂપિયો અમેરિકન ડોલરની સામે ગગડીને આજ સુધીના સૌથી નીચા સ્તર 70.32 એ પહોંચી ગયો હતો.આની પહેલા ગત સોમવારે રૂપિયાએ ડોલર સામે 69.93ના આંકડાને સ્પર્શ કર્યો હતો.જ્યારે બુધવારે સ્વતંત્રતા દિન નિમિત્તે બજારો બંધ હતા.
 ચલણનું કામકાજ કરનારાઓના કહેવા અનુસાર આયાતકારો દ્વારા અમેરિક્ન ચલણ ડોલરની ભારે માગ છે.વળી વિદેશી નાણાની નિકાસથી ઘર આંગણાનું ચલણ નરમ પડી ગયું હતું. આ ઉપરાંત મંગળવારે જાહેર કરાયેલ આંકડા અનુસાર વ્યાપાર ખાધમાં થયેલો વધારો પણ રૂપિયા ઉપર નકારાત્મક અસર માટે જવાબદાર બન્યો. વાણિજ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર દેશની વ્યાપાર ખાધ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઊંચા સ્તરે 18 અબજ ડોલરે પહોંચી ગઈ છે.
ટર્કીના ચલણ લિરાના મૂલ્યમાં ભારે ઘટાડો આવ્યા પછી ઉભરતા દેશોના ચલણોમાં પણ ઘટાડો આવ્યો છે જેની હડફેટે સોમવારે રૂપિયો આવી ગયો. તે દિવસે રૂપિયામાં પાંચ વર્ષનો સૌથી મોટો ઘટાડો આવ્યો હતો અને રૂપિયો 1.58%ના ઘટાડા સાથે 68.93એ પહોંચી ગયો હતો.
ટર્કીની મેટલની આયાત ઉપર અમેરિકા દ્વારા બેગણી ડયુટી લગાવવાના નિર્ણય બાદ ફોરેક્સ માર્કેટ્માં મોટી હલચલ મચી ગઈ છે.
 ટર્કીનુ ચલણ પહેલેથી જ બેહાલ છે અને આ વર્ષે તેમાં 40% ઘટાડો થયો છે અને તેની અસર સોમવારે ભારતીય ચલણ ઉપર પડી હતી જે આજે પણ ચાલુ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer