કેરળમાં વરસાદ-પૂરથી 97નાં મોત

કેરળમાં વરસાદ-પૂરથી 97નાં મોત
ઍરપોર્ટ, મેટ્રો, શાળા, કૉલેજો બંધ : 14 જિલ્લામાં પરેશાની : તામિલનાડુ, કર્ણાટકમાં પણ ઍલર્ટ

તિરૂવનંતપુરમ્, તા. 16 : દક્ષિણ ભારતનાં રાજ્યોમાં આભેથી આફત વરસી રહી હોય તેમ કેરળમાં તોફાની વરસાદ અને પૂર પ્રકોપથી અત્યાર સુધીમાં કુલ 97 જણનાં મોત થઈ ચૂક્યાં છે, તો તામિલનાડુ અને કર્ણાટકમાં પણ એલર્ટ જારી કરી દેવાયો છે.
કેરળમાં સૈન્ય, એનડીઆરએફના જવાનોની ટીમોએ બચાવ, રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. કોચી એરપોર્ટ પર શનિવાર સુધી વિમાનોની અવરજવર બંધ કરી દેવાઈ હતી. કેન્દ્રએ પણ મદદ માટે ટીમો મોકલી છે.
કોચી મેટ્રો સેવા આજે સવારથી બંધ કરી દેવાઈ હતી. એર્નાકુલમમાં પણ ભારે વરસાદનાં પગલે પ્રશાસન દ્વારા શાળા, કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ હતી.
રાજ્યના વિવિધ ભાગોમાં પૂરની ભયાનક સ્થિતિ સર્જાઈ છે. કેરળમાં વણસતી પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાને લેતાં નૌકાદળે તમામ તાલીમ પ્રવૃત્તિઓ રોકીને જવાનોને બચાવકાર્ય માટે મોકલી દીધા હતા.
કેરળના લગભગ તમામ ડેમમાં પાણી ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે. રાજ્યમાં પૂરનો ખતરો વધી રહ્યો છે. 14 જિલ્લામાં એલર્ટ જારી કરી દેવાયો છે.
ઉત્તરમાં કાસરગોડથી દક્ષિણમાં તિરૂવનંતપુરમ્ સુધી તમામ નદીઓ ઉફાન પર છે. મુલ્લાપેરિયાર સહિત તમામ ડેમના ફાટક ખોલી દેવાયા છે.
ખતરાની આશંકાનાં પગલે ગુરુવારે કેરળમાં તમામ શાળા બંધ રાખવાનું એલાન કરી દેવાયું હતું અને મોટા પ્રવાસન સ્થળો પણ બંધ કરી દેવાયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer