આજથી ઇન્ડોનેશિયામાં 18મા એશિયન ગેમ્સનો પ્રારંભ

આજથી ઇન્ડોનેશિયામાં 18મા એશિયન ગેમ્સનો પ્રારંભ
ઉદ્ઘાટન સમારંભમાં નિરજ ચોપરા ભારતનો ધ્વજવાહક:
ભારતની નજર 1પથી વધુ ગોલ્ડ જીતીને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર
જાકાર્તા, તા.17: એશિયન ગેમ્સનો આવતીકાલ શનિવારથી ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા અને પાલેમબેંગમાં દબદબાભેર પ્રારંભ થશે. 18મા એશિયન ગેમ્સમાં ભારતનો પ્રયાસ તેના 1પ ગોલ્ડ મેડલને રેકોર્ડને વધુ સારી રીતે સુધારવા પર રહેશે. ભારતે તેની જ ધરતી પર રમાયેલા પહેલા એશિયાડમાં 1પ ગોલ્ડ મેડલ જીત્યા હતા. હવે ઇન્ડોનેશિયામાં રમાનાર એશિયન ગેમ્સમાં ભારતે તેનું અત્યાર સુધીનું સૌથી મોટું દળ મોકલ્યું છે. ભારતીય દળમાં કુલ પ72 એથ્લેટ છે. જેમાં 312 પુરુષ અને 260 મહિલા ખેલાડી છે. ઉદઘાટન સમારંભમાં ખેલાડીઓની માર્ચ પાસ્ટમાં ભારતના ધ્વજવાહક તરીકે ભાલા ફેંક ખેલાડી નિરજ ચોપરા રહેશે. આવતીકાલ શનિવારે ભારતીય સમય અનુસાર સાંજે પ-30 વાગ્યાથી ઉદઘાટન સમારંભ શરૂ થશે. તેમાં એશિયન ગેમ્સમાં ભાગ લેનાર તમામ 4પ દેશના ખેલાડીઓ હાજર રહેશે અને ઇન્ડોનેશિયના કલાકારો તેમના દેશની સંસ્કૃતિ રજૂ કરશે. ઉદઘાટન સમારંભનું જીવંત પ્રસારણ સોની ટેન-1 અને ટેન-2 ચેનલ પરથી થશે. આ વખતે પણ ચીન પહેલા સ્થાને રહે તેવી સ્થિતિ છે. જ્યારે બીજા સ્થાન માટે જાપાન અને દ. કોરિયા વચ્ચે ટકકર થશે. ભારતને બેડમિન્ટન, કુસ્તી, નિશાનેબાજી, વેઇટ લીફ્ટિંગ, મુક્કેબાજી, હોકી, ટેનિસ, તિરંદાજી, ટેબલ ટેનિસ અને એથ્લેટિકસમાં ચંદ્રકો મળવાની પૂરી સંભાવના છે.
એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ આ વખતે કુલ 36 રમતમાં ભાગ લેવાના છે. આ રમતોમાં તિરંદાજી, એથ્લેટિકસ, બેડમિન્ટન, બાસ્કેટ બોલ, બોક્સિંગ, બોલિંગ, બ્રિજ, કેનોઇ-કાયક, સાઇક્લિંગ, તલવારબાજી, જિમાનાસ્ટિક, હેન્ડબોલ, હોકી, જૂડો, કરાટે, કબડ્ડી, કુરાશ, પેનકાક સિલાત, રોલર સ્પોર્ટસ, ટેનિસ, તાઈકવોંડો, સોફટ ટેનિસ, ટેબલ ટેનિસ, વોલીબોલ, વેઇટ લીફટીંગ, કુસ્તી અને વુશૂ છે. 
છેલ્લે જ્યારે ચીનના ગ્વાંગઝૂ ખાતે 2014માં એશિયન ગેમ્સ રમાયો હતો ત્યારે ભારતને કુલ 6પ મેડલ મળ્યા હતા. જેમાં 14 ગોલ્ડ, 17 સિલ્વર અને 34 બ્રોન્ઝ મેડલ હતા. ભારતીય ટીમ મેડલ ટેલીમાં ફકત બે વખત જ ટોચના 8 દેશમાંથી બહાર રહ્યું છે. 1990માં 11મા અને 1998માં નવમા નંબર પર રહ્યું હતું. ભારતે એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં કુલ 139 ગોલ્ડ મેડલ જીત્યા છે. જેમાં સૌથી વધુ ગોલ્ડ એથ્લેટિકસમાં 72 જીત્યા છે. કબડ્ડી અને કુસ્તીમાં 9-9 ગોલ્ડ કબજે કર્યાં છે. બેડમિન્ટન અને વેઇટ લીફ્ટિંગમાં ભારત ગોલ્ડ જીતી શકયું નથી, પણ આ વખતે આ બન્ને રમતમાં ભારતીય ખેલાડીઓ સુવર્ણ ચંદ્રક જીતવાની સ્થિતિમાં છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer