પુણેથી મુંબઈ ભાગી આવનાર સગીરાને મહિલા કૉન્સ્ટેબલે બચાવી

મુંબઈ, તા. 17 : ટીવી જોવા માટે મમ્મીએ ગુસ્સો કર્યો એટલે પુણેની સગીરા ઘર છોડીને મુંબઈ આવી ગઈ હતી અને મુંબઈ પોલીસે સુખરૂપ તેને પરિવારને સોંપી હતી. 
કોલાબા પોલીસ સ્ટેશનના મહિલા કૉનસ્ટેબલ સંગીતા પવાર સ્વાતંત્ર્ય દિને ગેટ વે અૉફ ઇન્ડિયા પર ફરજ બજાવી રહ્યાં હતાં ત્યારે તેમને એક સગીરા એકલી ફરતી દેખાઈ. તેમણે બાળકીને વિગતો પૂછી ત્યારે તેણે નામ અને ઉંમર કહી અને પોતે પુણેની રહેવાસી છે તેવું પણ જણાવ્યું. કૉનસ્ટેબલે તેને પરિવાર વિષે પૂછયું તો માતા-પિતા બહુ વર્ષો પહેલા મરી ગયા છે તેવું તેણે જણાવ્યું. પરંતુ તેના જવાબ પર સંગીતાને વિશ્વાસ નહોતો એટલે તેને વિશ્વાસમાં લઈને વધુ પૂછપરછ કરવામાં આવી હતી. ટીવી બાબતે મમ્મીએ ગુસ્સો કરતા આવેશમાં ઘર છોડીને દેહૂથી મુંબઈ આવી હોવાની કબુલાત સગીરાએ કરી હતી. ત્યારબાદ તરૂણીને કોલાબા પોલીસ સ્ટેશનમાં લઈ જવાયી હતી. ત્યાં તેની સાથે વાતચીત કરીને માતા-પિતાનો નંબર મેળવ્યો હતો. વડીલો પાસેથી યોગ્ય પૂરાવા મંગાવ્યા બાદ બાળકીને સુખરૂપ પરિવારને પરત સોપવામાં આવી હતી. દીકરી પાછી મળતા તેના માતા-પિતાએ મુંબઈ પોલીસ અને ખાસ કરીને સંગીતા પવારનો આભાર માન્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer