નંદુરબારના નવાપુર તાલુકામાં ભારે વરસાદ : ત્રણનાં મોત, છ વ્યક્તિ લાપતા

યુદ્ધના ધોરણે બચાવ-કામગીરી ચાલી રહી છે
નંદુરબાર, તા. 17 : એક જ રાતમાં પડેલા મુશળધાર વરસાદમાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં, તો છ વ્યક્તિ લાપતા હતી. નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકામાં આજે શુક્રવારે વહેલી સવારે 140 મિલીમીટર વરસાદ પડ્યો હોવાની નોંધ કરવામાં આવી હતી.
મુશળધાર વરસાદ બાદ તાલુકાની સરપણી અને રંગાવલી જેવી મુખ્ય નદીઓમાં પૂર આવ્યાં હતાં. એમાં રંગાવલી નદી સવારે ઊભરાઇને વહેવા માંડતાં નવાપુરમાં અનેક લોકોનાં ઘરમાં પાણી ઘૂસ્યાં હતાં અને તેમની ઘરબખરી તથા વાહનો પાણીમાં તણાઈ ગયાં હતાં.
વિસરવાડી વિસ્તારમાં વાડી શેવાડી પ્રકલ્પમાં તડ પડતાં સરપણી નદીમાં આવેલાં પૂરમાં બાલાહટ ગામની જમનાબાઈ ગાવિત નામની મહિલા તણાઈ જતાં તેમનું મૃત્યુ થયું હતું. જોકે, તેમના પતિ ઝાડની ડાળખી પર લટકી જતાં મોતને માત આપી શક્યા હતા. તો ખોક્સા ગામે પૂરનાં પાણીના પ્રવાહથી ઘર તૂટી પડતાં એમાં તણાઇને વંતીબાઈ ગાવિત નામની મહિલાનું મોત નીપજ્યું હતું. દરમિયાન ચિંચપાડા વિસ્તારમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. એ ત્રણ વ્યક્તિનાં મૃત્યુ ઉપરાંત નવાપુર શહેરમાં વસતાં મીનાબાઈ કાસાર અને વાધાળીપાડાના કાશીરામ ગાવિત લાપતા છે. પ્રશાસન અને તેમના કુટુંબીજનો તેમની શોધખોળ કરી રહ્યાં છે. નવાપુરમાં ભારે પૂર આવતાં ગઇ કાલે રાતથી જ સાવચેતીરૂપે વીજપુરવઠો બંધી કરવામાં આવ્યો છે.
ગઈ કાલે રાતથી પાણાબારા ગામ પાસે એક બ્રિજ તૂટી પડયા બાદ અમરાવતી-સુરત હાઇવે પરનો ટ્રાફિક વિસરવાડીથી નંદુરબાર તરફ બાળવામાં આવ્યો છે. પૂરનાં પાણીથી અહીં ખેતરનો પાક ધોવાઈ ગયો છે. એ ઉપરાંત અનેક પાળેલાં ઢોર-ઢાંખર તણાઈ ગયાં છે. જિલ્લાના સત્તાવાળાઓએ પૂરમાં સપડાયેલાઓને ઉગારવા યુદ્ધના ધોરણે બચાવ-કામગીરી હાથ ધરી છે, તથા પૂરથી થયેલી નુકસાનો અંદાજ કાઢી રહ્યા છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer