અટલજી જેવું વ્યક્તિત્વ જવલ્લે જ જોવા મળે છે : અમિતાભ બચ્ચન

વાજપેયીના નિધન ઉપર શાહરુખે કહ્યું, `બાપજી હંમેશાં યાદ આવશે'
 
નવી દિલ્હી, તા. 17 : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને નેતાઓ ઉપરાંત સિનેમા જગતે પણ ભાવભિની શ્રદ્ધાંજલી પાઠવી હતી. દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું હતું કે, તેઓ અટલ બિહારી વાજપેયી જેવા મહાન માણસના નિધનથી દુ:ખી છે. ઈશ્વર તેઓના આત્માને શાંતિ અર્પે. સેન્સર બોર્ડ અધ્યક્ષ પ્રસૂન જોશીએ કવિતાના માધ્યમથી શ્રદ્ધાંજલી આપતા ટ્વીટ કર્યું હતું કે,  `હાર નહી માનેંગે હમ, રાહ નઈ ઠાનેંગે, તેરી રીત અટલ રખેંગે, તેરે ગીત અટલ રખેંગે' અભિતાભ બચ્ચને કહ્યું હતું કે, અટલજી જવલ્લે જોવા મળતું વ્યક્તિત્વ ધરાવતા હતા. 
બોલિવુડ સિતારાઓએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી આપી શોક વ્યક્ત કર્યો હતો. જેમાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, અટલજી હરિવંશરાય બચ્ચનના પ્રશંસક હતા અને ઘણા પ્રસંગે બન્ને વચ્ચેની મુલાકાતમાં હાજર રહેવાનો મોકો મળ્યો હતો. અટલજીની વાક્છટા ખુબ જ અદ્ભુત અને આકર્ષક હતી. એક કવિ, રાજનેતા અને વડાપ્રધાન તરીકે રહેલા અટલજી જવલ્લે જોવા મળતું વ્યક્તિત્વ ધરાવતા હતા. શાહરૂખ ખાને ટ્વીટર ઉપર શોકસંદેશમાં લખ્યું હતું કે, તેઓના પિતા દિલ્હીમાં થનારા અટલજીના ભાષણને સાંભળવા માટે લઈ જતા હતાં. લાંબા સમય બાદ તેઓ સાથે મુલાકાત કરવાની તક મળી હતી. જેમાં કવિતાઓ, ફિલ્મ અને ઘુંટણના દર્દ બાબતે લાંબી ચર્ચા કરી હતી. તેઓને ઘરે બાપજી કહીને બોલાવવામાં આવતા હતા.  વાજપેયીની વિદાય પિતા તુલ્ય સંબંધ અને મહાન નેતાની વિદાય છે.  આ ઉપરાંત દિવ્યા દત્તા સહિતના સિતારાઓને અટલ બિહારી વાજપેયીના નિધન ઉપર શોકસંદેશ પાઠવ્યો હતો.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer