અટલની વિદાયથી અડવાણીએ શબ્દો અને મૌન બન્ને ગુમાવ્યાં !

નવી દિલ્હી, તા. 17 :  લોકોની જેટલી સરેરાશ આયુષ્ય હોય છે તેટલી 65 વર્ષ લાંબી દોસ્તી બાદ આજે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ પોતાના મિત્ર અટલ બિહારી વાજપેયીને વિદાય આપી હતી. બન્ને નેતાઓએ ભારતીય રાજનીતિમાં સાથે કેટલીયે મુસાફરી કરી અને સત્તાના શિખર સુધી પણ પહોંચ્યા છે. પરંતુ અંતે વાજપેયીની વિદાય સાથે આ 6 દશકા લાંબી જોડી તૂટી છે. જેનું દુ:ખ એલકે આડવાણીના ચહેરા ઉપર સ્પષ્ટ પણે જોવા મળ્યું હતું અને અંતિમ યાત્રા દરમિયાન આડવાણી એકદમ ગુમસુમ બેસેલા જોવા મળ્યા હતા. વાજપેયી જ્યારે બિમારીના કારણે જાહેર જીવનથી દૂર થયા ત્યારે વાજપેયીને નિયમિત મળતા ગણતરીના લોકોમાં આડવાણી પણ હતા. તેઓ કલાકો સુધી વાજપેયીની સામે બેસતા હતા અને પોતાની વાતો કરતા હતા. જો કે વાજપેયીને બોલવામાં મુશ્કેલી પડતી હતી અને મોટાભાગે મૌન રહેતા હતા. વાજપેયીની વિદાય ઉપર આડવાણીએ કહ્યું હતું કે, આ દુ:ખ વ્યક્ત કરવા મારી પાસે શબ્દો જ નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer