કેરળમાં પૂરને કારણે 8000 કરોડથી વધુનું નુકસાન

કોચી, તા. 17 :  બે લાખ 23 હજારથી વધુ લોકો હજુ પણ રાહત કેમ્પોમાં છે. બે લાખ લોકો બેઘર થયા છે. 1556 જેટલા રાહત કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે. પંપા, પેરિયાર અને ચાલાકુડી નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તર પર પહોંચી ગઈ હોવાથી અલાપ્પુઆ, અર્નાકુલમ, પઠાનમિત્થા અને ત્રિસૂરમા   જળપ્રકોપની સ્થિતિ સર્જાઈ છે.
રાજ્યમાં આઠમી ઓગસ્ટથી હાલત કફોડી બનેલી છે અને આઠ હજાર કરોડનું નુકસાન થયું છે. રાજ્યની સંસ્થાઓની સાથે સાથે આર્મી, નેવી અને આર્મીના જવાનો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા છે. એનડીઆરએફની ટીમો પણ સહાયમાં લાગેલી છે. ભારે વરસાદ અને ભયાનક પુરના કારણે કોચી એરપોર્ટને 26મી ઓગષ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેરળના અનેક જિલ્લા અસરગ્રસ્ત થયા છે. જે પૈકી 12 જિલ્લામાં સૌથી વધારે અસર થઇ છે. 1924 બાદથી હજુ સુધી સૌથી વિનાશકારી પુર તરીકે આને ગણવામાં આવે છે. કેરળમાં ભારે વરસાદના લીધે ભારે તબાહી થઇ છે.  પેરિયાર નદીમાં રૌદ્ધ સ્વરૂપની સ્થિતિ છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાહાકાર મચી ગયો છે. જે વિસ્તારોમાં સૌથી વધારે અસર થઇ છે તેમાં ઇડુક્કી, મલપ્પુરમ, વાયનાડ જિલ્લાવો સમાવેશ થાય છે.   વાયનાડ, પલક્કડ અને કોઝીકોડે જિલ્લામાં પણ હાલત કફોડી બનેલી છે.
પુરના કારણે કેરળના મોટા ભાગના વિસ્તારોમાં પરિવહન સેવા ઠપ છે. દક્ષિણ રેલવે અને કોચિ મેટ્રોને સેવા બંધ રાખવાની ફરજ પડી રહી છે. પેરિયાર નદીમાં પુરનુ પાણી વધી જવાના કારણે તમામ મોટા બંધમાં દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. કોચિ શહેરમાં તમામ સેવા ઠપ થઇ ગઇ છે. કોચિ મેટ્રો દ્વારા મટ્ટમ યાર્ડમાં પાણી ભરાઇ જવાના કારણે આજે સવારે ઓપરેશન સ્થગિત કરી દેવામાં આવ્યુ હતુ. કેરળમાં હાલમાં સુધારો થવાની કોઇ શક્યતા દેખાઇ રહી નથી. કેરળમાં હાલમાં સ્થિતિમાં સુધારો થાય તેવી કોઇ શક્યતા દેખાતી નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer