માથેરાનમાં વિદેશી પર્યટકોને આકર્ષવાનો મધ્ય રેલવેનો પ્રયાસ

જેજે સ્કૂલ અૉફ આર્ટ્સની મદદથી બનાવશે યોજના
મુંબઈ.  તા. 17 : નેરળ-માથેરાન હિલ સ્ટેશન પર વિદેશી પ્રવાસીઓને આકર્ષવા અને તેમની સંખ્યામાં વધારો કરવા માટે મધ્ય રેલવે એક વિશેષ યોજના બનાવી રહી છે. આ યોજના હેઠળ નેરળથી માથેરાન સુધી દરેક સ્ટેશન પર કેન્દ્ર બનાવવામાં આવશે. આ યોજના માટે મધ્ય રેલવેએ જેજે સ્કૂલ અૉફ આર્ટ્સને ડિઝાઇન બનાવવાનું કહ્યું છે. 
નેરળ-માથેરાન ટૉય ટ્રેનને ઐતિહાસિક વારસાનો દરજ્જો આપવામાં આવે એ માટે મધ્ય રેલવેના પ્રયત્નો ચાલુ જ છે. આ યોજનાના ભાગરૂપે જેજે સ્કૂલ અૉફ આર્ટ્સે મધ્ય રેલવેને આપેલા રિપોર્ટ મુજબ અહીં બનાવવામાં આવનારી હેરિટેજ ગૅલરીમાં ભારતના ટૉય ટ્રેનના ઇતિહાસની ઝાંખી કરાવવામાં આવશે. એમાં દાર્જીલિંગ હિમાલયન રેલવે, નીલગિરિ પર્વત રેલવે અને કાલકા-શિમલા રેલવેનો ઉલ્લેખ હશે. એ સિવાય ગૅલરીના માધ્યમથી મહારાષ્ટ્રનો ઇતિહાસ દેખાડવામાં આવશે. આ યોજના 38 કરોડ રૂપિયાની છે. પ્રથમ તબક્કામાં ડિસેમ્બર 2018 સુધી અમલ લૉજ સુધીનું કામ પૂર્ણ કરવામાં આવશે. આ યોજના માટે રેલવે દ્વારા એક કમિટી નીમવામાં આવશે જેમાં જેજે સ્કૂલ, મધ્ય રેલવે, આઇઆરસીટીસી અને એમટીડીસીના લોકો હશે. 
નેરળથી માથેરાન વચ્ચે છેલ્લાં અનેક વર્ષોથી નવીનીકરણનું કાર્ય હાથ ધરાયું ન હોવાથી એનો ઐતિહાસિક વારસો જળવાઈ રહ્યો છે. હવે અહીં સ્ટેશન-પરિસરમાં આર્ટ ગૅલરી, કિઓસ્ક અને ખાણી-પીણીના સ્ટૉલ બનાવવામાં આવશે, જે પ્રવાસીઓને આકર્ષિત કરવામાં મદદરૂપ બનશે. સ્ટેશનના પ્રવેશદ્વાર પર કલાત્મક કૃતિઓ લગાડવામાં આવશે તેમ જ સેલ્ફીપ્રેમીઓને આકર્ષવા સેલ્ફી-પૉઇન્ટ પણ બનાવવામાં આવશે. 
મુંબઈ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મૅનેજર એસ. કે. જૈને કહ્યું હતું કે અમલ લૉજ માથેરાનનું પ્રવેશદ્વાર છે તેમ જ રસ્તો પણ ત્યાં પૂરો થતો હોવાથી સૌથી પહેલાં અહીં કામ પૂરું કરવામાં આવશે. ભારતના બીજા કોઈ પણ ટૉય ટ્રેનના રૂટથી ચડિયાતો નેરળ-માથેરાન રૂટનો અનુભવ હશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer