જ્યારે અટલજીએ ચોપાટીના દરિયાકિનારે રેતીમાં બેસીને માણ્યો કવિ સંમેલનનો આસ્વાદ

મુંબઈ, તા. 17 : ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનના સમાચાર જાણીને પ્રદેશ ભાજપનું મુખ્યાલય શોકસાગરમાં ડૂબી ગયું હતું. ઘરની વડીલ વ્યક્તિ ગુમાવી દીધાની ભાવના અને વાજપેયીજી સાથેની યાદો લોકોનાં મનમાં ઘુમરાવા માંડી હતી. કોઈકને ચોપાટીની રેતીમાં બેસીને અટલજીએ આસ્વાદેલું કવિ સંમેલન યાદ આવી ગયું હતું, તો કોઈને અટલજીએ પોતાના લગ્નમાં આપેલી હાજરી યાદ આવી જતાં આંખના ખૂણામાંથી આંસુ સરી પડયાં હતાં.
``અટલ બિહારી વાજપેયીને મુંબઈ અને એનો દરિયાકિનારો ખૂબ ગમતાં હતાં. ભાજપના અમુક કાર્યકરો એ વખતે દર વર્ષે નવરાત્રિ દરમિયાન ગિરગામ ચોપાટી પર રામલીલાનું આયોજન કરતા હતા. તેઓએ એક વખત રામલીલા અને દશેરા પત્યા બાદ ચોપાટી પર કવિ સંમેલનનું આયોજન કર્યું હતું. એ વખતે અટલજી મુંબઈમાં હાજર હોવાથી તેમને કવિ સંમેલનમાં આમંત્રણ અપાયું હતું. અટલજીને અમે કાર્યક્રમના સ્થળે લઈ ગયા. જોકે, તેમણે મંડપની અંદર ખુરશી પર બેસવાનો ઈનકાર કરી આગ્રહપૂર્વક કહ્યું, `ઈતના અચ્છા મૌસમ હૈ. સમુદ્રતટ પર બૈઠ કર હી મૈં કવિ સંમેલન સુનૂંગા.' એટલું કહી તેઓ રેતીમાં જ પલાઠી મારીને બેસી ગયા. ચણા-વટાણા અને સિંગદાણા ચગળતાં-ચગળતાં અટલજીએ કવિતાનો આસ્વાદ માણ્યો હતો'' એવું અટલજીની વાતો યાદ કરાવતા ભાજપના અતુલ શાહે કહ્યું હતું.
ભાજપના પ્રદેશ કાર્યાલય સચિવ મુકુંદ કુલકર્ણીનાં લગ્ન 1996ની 26 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં થયાં હતાં. એ લગ્ન પ્રમોદ મહાજનના બંગલાની લોન પર યોજાયાં હતાં. એ વખતે તેઓ વિરોધી પક્ષનેતા હતા. ``અટલજીને લગ્નનું આમંત્રણ આપ્યું હતું, પણ મારા જેવા એક સામાન્ય કાર્યકરનાં લગ્નમાં તેઓ સમય કાઢીને પધારશે કે નહીં એની મને ખાતરી નહોતી, પણ અટલજી પધાર્યા. દર વખતની જેમ તેમણે અમારી બધાની પૂછપરછ કરી. મને અને પત્નીને આશીર્વાદ આપ્યા. એટલું જ નહીં, પૂરા ત્રણ કલાક તેઓ લગ્નમંડપમાં હાજર રહ્યા. આમ તો તેઓ મીઠી વસ્તુ ખાતા નહીં, પણ એ દિવસે તેમણે આગ્રહ કરીને મીઠી વસ્તુની માગણી કરીને ખાધી હતી'', એવું કહેતાં મુકુંદ કુલકર્ણીની આંખોમાંથી આંસુ ટપકી પડયાં હતાં.
``મારી દીકરીનાં લગ્નની પત્રિકા આપવા ગયો હતો ત્યારે સુરક્ષા-વ્યવસ્થાની ઉતાવળમાં પત્રિકા બહાર જ ભૂલી ગયો હોવા છતાં અટલજીએ મારી સાથે કુટુંબીજન જેવો વ્યવહાર કર્યો હતો,'' એવું ભૂતપૂર્વ વિધાનસભ્ય મધુ ચવ્હાણે અટલજીની યાદ અપાવતાં કહ્યું ત્યારે તેમની પાંપણો ભીંજાઈ ગઈ હતી.
 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer