શૅરબજારમાં તેજીવાળાનો દબદબો : નિફ્ટી 11,471ની વિક્રમી ટોચે

શૅરબજારમાં તેજીવાળાનો દબદબો : નિફ્ટી 11,471ની વિક્રમી ટોચે
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : સપ્તાહના છેલ્લા દિવસે શૅરબજારમાં ચોમેર ઉત્સાહ છવાયો હતો. ગુરુવારના ઘટાડા પછી સૂચકાંકોએ નોંધપાત્ર તેજી હાંસલ કરી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ચાલી રહેલા ટ્રેડના વિવાદોનો નિવેડો લાવવા ચીને આ મહિનાના અંતે અમેરિકા સાથે વાતચીત હાથ ધરવાની તૈયારી દર્શાવતાં વૈશ્વિક સંકેતો સકારાત્મક બન્યા હતા અને એનએસઈનો બેન્ચમાર્ક નિફ્ટી વિક્રમી ટોચે બંધ નોંધાયો હતો.
અમેરિકા-ચીનની વ્યાપાર-વાતચીતની આશાને પગલે વૈશ્વિક બજારોમાં તેજીનો માહોલ હતો. જોકે શાંઘાઈ એસઈ કમ્પોઝિટ ઇન્ડેક્ષ સહિત વિકસતા દેશોના મોટા ભાગના સૂચકાંકો શુક્રવારે ઘટયા હતા. શુક્રવારે પારસી નવું વર્ષ હોવાને કારણે ભારતમાં મની અને ફોરેક્સ માર્કેટે રજા પાળી હતી.
શૅરબજારમાં સતત મૂડીપ્રવાહ ચાલુ રહેવા સાથે બૅન્ક, મેટલ અને એફએમસીજી શૅરોમાં ભારે લેવાલી જોવા મળી હતી. અૉગસ્ટમાં અત્યાર સુધીમાં રૂા. 2400 કરોડનાં વિદેશી રોકાણો નોંધાયાં છે, જે જુલાઈમાં રૂા. 2264 કરોડ હતાં. શુક્રવારે નિફ્ટી 85.70 પૉઇન્ટ વધીને 11,470.75, જ્યારે સેન્સેક્ષ 284.32 પૉઇન્ટ વધીને 37,947.88ની સપાટીએ બંધ નોંધાયો હતો. નિફ્ટીના 35 શૅર્સ વધીને અને 15 શૅર્સ ઘટીને, જ્યારે સેન્સેક્ષના 21 શૅર્સ વધીને અને 10 શૅર્સ ઘટીને બંધ નોંધાયા હતા. સમગ્ર સપ્તાહમાં નિફ્ટી 0.36 ટકા અને સેન્સેક્ષ 0.20 ટકા વધ્યો હતો. 
શુક્રવારે બીએસઈના વિસ્તૃત સૂચકાંકોમાં મિડકૅપ અને સ્મૉલકૅપ ઇન્ડેક્ષ અનુક્રમે 0.88 ટકા અને 0.94 ટકા ઊંચે બંધ નોંધાયા હતા. મારુતિએ 16મી અૉગસ્ટની અસરથી એની કારની કિંમત વધારતાં મારુતિ સુઝુકીનો શૅર ઘટયો હતો. બીએસઈમાં મોટા ભાગના તમામ ક્ષેત્રવાર સૂચકાંકો વધીને બંધ રહ્યા હતા. તેલક્ષેત્રની અગ્રણી કંપનીઓ ગેઇલ અને ઓએનજીસીએ ખોટ નોંધાવતાં માત્ર બીએસઈ અૉઇલ ઍન્ડ ગેસ ઇન્ડેક્ષ 0.15 ટકા ઘટયો હતો. અમેરિકા-ચીન વચ્ચે વાતચીતના સમાચારને પગલે વિશ્વભરનાં શૅરબજારો તેજીતરફી હતાં. 
પાછલાં ચાર સત્રોમાં સાત ટકાના ઘટાડા બાદ નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્ષ શુક્રવારે ત્રણ ટકા વધ્યો હતો. એસબીઆઇ, આઇડીબીઆઇ બૅન્ક, પંજાબ નૅશનલ બૅન્ક, યુનિયન બૅન્ક અૉફ ઇન્ડિયા, અલાહાબાદ બૅન્ક, ઓરિયેન્ટલ બૅન્ક અૉફ કૉમર્સ અને કૅનેરા બેન્કના શૅર્સમાં કામકાજ દરમ્યાન બેથી પાંચ ટકાનો વધારો જોવા મળ્યો હતો. 
બીજી તરફ, શુક્રવારે સરકારે કેટલાક ઉદ્યોગોમાં વપરાતા પેટકોકની આયાતને મંજૂરી આપતાં સિમેન્ટ ઉત્પાદન કરતી કંપનીઓના શૅર્સમાં તેજી જોવા મળી હતી. સિમેન્ટ, ચૂનાભઠ્ઠી, કૅલ્શિયમ કાર્બાઇડ અને ગૅસિફિકેશન ઉદ્યોગને પેટકોક આયાત કરવાની છૂટ મળી છે. આને પગલે અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રી સિમેન્ટ, અંબુજા સિમેન્ટ અને એસીસીના શૅર્સના ભાવ વધ્યા હતા. દેશમાં પેટકોકની સૌથી મોટા વપરાશકારોમાં સ્થાન ધરાવતી શ્રી સિમેન્ટનો શૅર 3.6 ટકા વધીને રૂા. 17,898ની સપાટીએ પહોંચ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer