વાજપેયીજીની શ્રદ્ધાંજલિ સભામાં વિરોધ દર્શાવતાં એમઆઇએમના નગરસેવકની મારપીટ

વાજપેયીજીની શ્રદ્ધાંજલિ સભામાં વિરોધ દર્શાવતાં એમઆઇએમના નગરસેવકની મારપીટ
અમારા પ્રતિનિધિ તરફથી
ઔરંગાબાદ, તા. 17 : ઔરંગાબાદની મહાપાલિકામાં આજે બપોરે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સભામાં મજલિસે ઉત્તેહાદ મુસ્લિમીન (એમઆઈએમ)ના નગરસેવકે વિરોધ દર્શાવતાં ભાજપના નગરસેવકોએ તેમને ધીબેડી નાખ્યા હતા.
એમઆઈએમના નગરસેવક સૈયદ મતીને વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ઠરાવનો વિરોધ દર્શાવ્યો હતો. ત્યાર બાદ રોષે ભરાયેલા ભાજપના નગરસેવકોએ ચંપલ વડે તેમને માર માર્યો હતો. ત્યાર બાદ સુરક્ષા રક્ષકો મતીનને કોર્ડન કરી બહાર લઈ ગયા હતા.
સમાંતર જલવાહિની પ્રોજેક્ટના પ્રસ્તાવ પર નિર્ણય લેવા માટે ઔરંગાબાદ મહાપાલિકામાં આજે બપોરે સર્વસાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ અટલ બિહારી વાજપેયીનું ગઈકાલે નિધન થતાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો નિર્ણય મેયરે લીધો હતો. વાજપેયીજીના જીવન સાથે સંકળાયેલી ડૉક્યુમેન્ટરી ફિલ્મ સભાગૃહમાં દેખાડવામાં આવી હતી. ત્યાર બાદ જ્યારે અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો ત્યારે સૈયદ મતીને એ પ્રત્યે વિરોધ દર્શાવ્યો હતો. એ વખતે ગુસ્સે ભરાયેલા ભાજપના નગરસેવક પ્રમોદ રાઠોડ, દિલીપ થોરાત, માધુરી અદવંત, રામેશ્વર ભાદવે અને રાજ વાનખેડે સૈયદ મતીન પર ચંપલ લઈને તૂટી પડયાં હતાં. એ ઉપરાંત આ નગરસેવકોએ સૈયદ મતીનને કાયમી સ્વરૂપે હકાલપટ્ટી કરવાની માગણી કરી હતી.
એ બનાવ બાદ સૈયદ મતીન વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો નોંધવાની માગણી માટે ભાજપના વિધાનસભ્ય અતુલ સાવે, મેયર નંદકુમાર ઘોડેલે, ડેપ્યુટી મેયર ઔતાડે, પ્રમોદ રાઠોડ, પોલીસ કમિશનર પ્રસાદને મળ્યા હતા. આ બધા મહાનુભાવો જઈ રહ્યા હતા ત્યારે ભાજપના સંગઠન પ્રધાન ભાઉરાવ દેશમુખની ગાડી પર 20થી 25 જણની ટોળકીએ લાકડી અને પથ્થર વડે હુમલો કર્યો હતો, જેમાં ગાડીનો ડ્રાઈવર વિલાસ કાશીનાથ કોરાળે ગંભીર જખમી થયો હતો.
જોકે, ભાજપના નગરસેવકોએ સૈયદ મતીનની મારઝૂડ કર્યાની જાણ થતાં વિફરેલા એમઆઈએમના સમર્થકોએ ઔરંગાબાદ મહાનગરપાલિકા વિસ્તારમાં પથ્થરમારો કર્યો હતો. એ ઉપરાંત તેમણે ભાજપના સંગઠન પ્રધાનોની કારની તોડફોડ કરીને ડ્રાઈવરને માર પણ માર્યો હતો. ત્યાર બાદ પરિસ્થિતિ તંગ બનતાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer