અટલજી અજાતશત્રુ જ નહીં, ઉદાર વ્યક્તિ હતા : શરદ પવાર

અટલજી અજાતશત્રુ જ નહીં, ઉદાર વ્યક્તિ હતા : શરદ પવાર
અને...ગુજરાત ભૂકંપ આપત્તિ નિવારણ પ્રાધિકરણનો અધ્યક્ષ બનાવી મને ચોંકાવ્યો  
મુંબઈ, તા.17 : અટલ બિહારી વાજપેયી અજાતશત્રુ વ્યક્તિત્વ હતા, તેથી જ તમામ રાજકીય પાર્ટીના નેતાઓ સાથે તેમના ગાઢ સંબંધો હતા, તેઓ વિરોધીઓનું પણ સન્માન જાળવતા એવા શબ્દોથી અટલજીને યાદ કરતા મહારાષ્ટ્રના દિગ્ગજ મરાઠા નેતા અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે અટલજીની ઉદારતાના કેટલાક કિસ્સા વર્ણવ્યા હતા. પવારે કહ્યું હતું કે વર્ષ 2002માં ગુજરાતમાં કમનસીબ ભૂકંપ બાદ આપત્તિ નિવારણ પ્રાધિકરણના અધ્યક્ષપદે અટલ સરકારે મારી પસંદગી કરી હતી, તેનું ખુદ મને પણ આશ્ચર્ય થયું હતું. 
અગાઉ પવાર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે જનતા પાર્ટીએ જ પવારને ટેકો આપ્યો હતો ત્યારથી જ પવારના અટલજી સાથે રાજકીય સંબંધો શરૂ થયા હતા જે બાદમાં ઘટ્ટ બન્યા હતા. અટલજીને સભ્યતા અને સુસંસ્કૃત વ્યક્તિત્વ ધરાવતા મહાન નેતા ગણાવતા પવારે કહ્યું હતું કે વર્ષ 1996માં 13 દિવસની અટલ સરકાર તૂટી પડી હતી, ત્યારે હું કૉંગ્રેસનો સંસદીય નેતા હોવાથી સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ વખતે સરકાર વિરોધી ભાષણ કર્યું હતું. બાદમાં અટલજીએ રાજીનામું આપ્યું અને સરકારનું વિસર્જન થયું હતું. પરંતુ તે રાત્રે જ મને અટલજીએ ફોન કરીને મારા ભાષણના વખાણ કરીને મને સુખદ આંચકો આપ્યો હતો.
વર્ષ 2002માં ગુજરાતના ભૂકંપ વખતે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની અટલ સરકાર હતી. મહારાષ્ટ્રમાં અગાઉ લાતુરમાં ભૂકંપ આવ્યો તે પરિસ્થિતિનો મને અનુભવ હોવાથી મેં અટલજી સમક્ષ ગુજરાતમાં પુનર્વસનમાં મદદ કરવાની ઇચ્છા જણાવી હતી. પરંતુ અટલજીએ તો મને જ ગુજરાત ભૂકંપ આપત્તિ નિવારણ પ્રાધિકરણની સ્થાપના કરીને મને જ અધ્યક્ષ બનાવીને સુખદ આશ્ચર્ય આપ્યું હતું. તેમનો આ ઉદાર સ્વભાવ એ સાબિત કરે છે કે અટલજી વિરોધ પક્ષની વાત પણ ગંભીરતાથી સાંભળતા અને સન્માન આપવામાં પણ મોળપ નહોતા રાખતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer