ઇમરાન ખાન આજે વડા પ્રધાનપદના સોગંદ લેશે

ઇમરાન ખાન આજે વડા પ્રધાનપદના સોગંદ લેશે
ઇસ્લામાબાદ, તા. 17 : સામાન્ય ચૂંટણી બાદ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં શુક્રવારે નવા વડાપ્રધાન ચૂંટવા માટે થયેલા મતદાનમાં પણ ઇમરાનખાને એકતરફી જીત હાંસિલ કરી હતી. ઇમરાન આવતીકાલે શનિવારે પાકના 22મા વડાપ્રધાન તરીકે શપથ લેશે.
પીટીઆઇના પ્રમુખ ઇમરાન અને પીએમએલ-એનના નેતા શાહબાઝ શરીફ વચ્ચેની લડાઇના અંતે એસેમ્બલીમાં નવાઝ શરીફના ભાઇનો પરાજય થયો હતો.
એકતરફી વિજય બાદ ઇમરાનનો વડાપ્રધાન બનાવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. ખાનના પક્ષમાં 176 મત પડયા હતા. તો શાહબાઝને 96 મત મળ્યા હતા.
આજે બોલાવાયેલા ખાસ સત્રમાં ઇમરાન અને શાહબાઝ બંનેએ ગૃહના નેતાના રૂપમાં નામાંકન કરતાં વડાપ્રધાનની ચૂંટણી કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઇ ગઇ હતી.
નેશનલ એસેમ્બલીમાં 175 બેઠક સાથે પૂર્ણ બહુમતનો દાવો કરનાર પીટીઆઇ પક્ષે ઇમરાનખાનને જ વડાપ્રધાન માટે પસંદ કરી રાખ્યા હતા પરંતુ શરીફે વિપક્ષો સાથે જોડાણ કરીને દાવો કરતાં મતદાન કરવું પડયું હતું.
પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (પીપીપી)એ વડાપ્રધાન પદ માટે થયેલા મતદાનમાંથી હટવાનો ફેંસલો કર્યો હતો.
મતદાન અગાઉ ખાને કહ્યું હતું કે, હું ચૂંટાઇ આવી તો ટોચની પ્રાથમિકતા પાકની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાને આપીશ. પાકિસ્તાની રૂપિયાને છેલ્લા એક વરસમાં લાગેલો ઘસારો ચિંતાનો વિષય છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer