વૈભવ રાઉતની ધરપકડના વિરોધમાં નાલાસોપારામાં મોરચો

વૈભવ રાઉતની ધરપકડના વિરોધમાં નાલાસોપારામાં મોરચો
મુંબઈ, તા. 17 : શત્રો અને સ્ફોટકો રાખવા માટે પકડાયેલા વૈભવ રાઉતના સમર્થનમાં હિન્દુવાદી વિવિધ સંગઠનોએ આજે નાલાસોપારામાં નિષેધ મોરચો કાઢયો હતો.
વૈભવ રાઉત ભંડારી જાતિનો હોવાથી ભંડારીઓ તરફથી આજનો મોરચો કાઢવાની હાકલ કરવામાં આવી હતી. આજે સાંજે 4.30 વાગે રાઉત રહેતો હતો તે ભંડારી આળીમાંથી મોરચો કાઢવામાં આવ્યો હતો. આ મોરચામાં વસઈ, વિરાર અને પાલઘર જિલ્લાના ભંડારી સમાજના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમાં મહિલા અને યુવાનોની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં હતી. નાલાસોપારા પાસે બસ ડેપો પાસેના રસ્તામાં મોરચો સભામાં ફેરવાઈ ગયો હતો. વૈભવ રાઉતનાં પત્નીએ મોરચાને સંબોધતાં જણાવ્યું હતું કે મારા પતિને આ અપરાધમાં ફસાવવામાં આવ્યો છે.
આ મોરચામાં ભાગ લેનારાઓએ `દેશ કા નેતા કૈસા હો, વૈભવ રાઉત જૈસા હો' અને `જય શ્રીરામ' જેવાં સૂત્રો પોકાર્યાં હતાં. આ મોરચામાં 5000 જેટલા લોકો સહભાગી થયા હતા. આ મોરચાને શિવસેના અને આગરી સેનાએ ટેકો આપ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer