ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થાપીને વાજપેયીને સન્માન આપી શકાય : ઇમરાન

ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થાપીને વાજપેયીને સન્માન આપી શકાય : ઇમરાન
ઇસ્લામાબાદ, તા. 17 : પાકિસ્તાન તેહરિકે-ઇન્સાફ (પીટીઆઈ)ના ચૅરમૅન ઇમરાન ખાને ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન પર શોક વ્યક્ત કરતાં અને તેમને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થાપીને આ કદાવર નેતાને શ્રેષ્ઠ સન્માન આપી શકાય.
એક નિવેદનમાં ઇમરાન ખાને જણાવ્યું હતું કે, વાજપેયી ભારતીય ઉપખંડના એક જાણીતા અને સન્માનીય રાજકીય નેતા હતા અને ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવાના તેમના પ્રયાસોને હંમેશાં યાદ કરવામાં આવશે. વિદેશપ્રધાન તરીકે વાજપેયીએ ભારત-પાક સંબંધો સુધારવાની જવાબદારી ઉઠાવી લીધી હતી. વાજપેયી સાહેબના અવસાનથી દક્ષિણ એશિયાના રાજકારણમાં રાજકીય શૂન્યાવકાશ ઊભો થયો છે.
ઇમરાન ખાને વધુમાં જણાવ્યું હતું કે, બન્ને દેશો વચ્ચે રાજકીય મતભેદો હોઈ શકે, પરંતુ બન્ને દેશોની સરહદ પારના લોકો શાંતિ ઇચ્છે છે. શાંતિ સ્થાપીને જ આપણે વાજપેયીના વારસાનું ખરું જતન કરી શકીએ. શોકની આ ઘડીમાં હું ભારતના લોકોની પડખે ઊભો છું, એમ ઇમરાને વધુમાં ઉમેર્યું હતું.
દરમિયાન, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક શોક સંદેશમાં જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં પરિવર્તન લાવવામાં ફાળો આપનારા એક મુત્સદી તરીકે વાજપેયીને હંમેશાં યાદ કરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer