અટલજી અનંતની યાત્રાએ

અટલજી અનંતની યાત્રાએ
વાજપેયીનો પાર્થિવદેહ રાજકીય સન્માન સાથે પંચમહાભૂતમાં વિલીન
દત્તક પુત્રી નમિતાએ આપ્યો મુખાગ્નિ : અંતિમ દર્શન અને અંતિમયાત્રામાં ઊમટયો જનસૈલાબ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા.17: ભારે હૃદયે અને ભીની આંખે આજે દેશવાસીઓએ પોતાના અજાતશત્રુ લોકનાયક, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપી હતી. તેમનાં અંતિમ દર્શનાર્થે દેશભરમાંથી ઉમડી પડેલા નેતાઓ વચ્ચે આજે પક્ષાપક્ષીનાં વાડા તૂટી ગયા હતાં. વડાપ્રધાન સહિત સમગ્ર કેન્દ્રીય કેબિનેટ જેમાં પગપાળા જોડાઈ હતી એવી અંતિમયાત્રામાં ઉમટેલા જનસૈલાબમાં તમામ ભેદભાવો ભૂલીને લોકોએ પોતાનાં લાડીલા નેતાને ભાવપૂર્ણ વિદાય આપીને ગણમાન્ય વાજપેયીની સર્વસ્વીકૃતિનું પ્રતિબિંબ પાડતાં દ્રશ્યો સર્જ્યા હતાં. અનંતની યાત્રાએ નીકળી ગયેલા વાજપેયીનાં અંતિમ સંસ્કાર વખતે પોતાનું પનોતું સંતાન ગુમાવનાર સમગ્ર ભારતને ગળે ડૂમો બાઝી ગયો હતો.
સૌપ્રથમ પાર્થિવ દેહ ઉપરથી ત્રિરંગો હટાવીને માનભેર સંકોરીને વાજપેયીનાં પરિજનોને સુપરત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વાજપેયીનાં દત્તક પુત્રી નમિતા કૌલ ભટ્ટાચાર્યએ વાજપેયીનાં પાર્થિવ દેહને મુખાગ્નિ આપ્યો હતો. અનંતની યાત્રાએ નીકળી ગયેલા વાજપેયી પંચમહાભૂતમાં વિલિન થયા ત્યાં સુધી સૌ કોઈ આદરપુર્વક તેમને વિદાય આપવા માટે હાજર રહ્યા હતાં.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું પાર્થિવ શરીર ગુરુવારની રાત્રે તેમનાં અધિકૃત નિવાસ ક્રિષ્ન મેનન માર્ગ ખાતે રાખવામાં આવ્યું હતું. ત્યાંથી આજે સવારે ભારે મેદની વચ્ચે તેમને ભાજપનાં વડામથકે લાવવામાં આવ્યા હતાં. જ્યાં બપોર સુધી હજારો લોકોએ તેમનાં અંતિમ દર્શન અને અંજલિ અર્પણ કરી હતી. દાયકાઓ સુધી વાજપેયીનાં સાથીદાર રહેલા ભાજપનાં વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ભાજપનાં અધ્યક્ષ અમિત શાહ સહિત ભાજપનાં તમામ દિગ્ગજ નેતાઓએ અને દેશભરમાંથી આવેલા વિભિન્ન પક્ષનાં નેતાઓએ વાજપેયીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વાજપેયીનાં દર્શન માટે લાંબી-લાંબી કતારો લાગી હતી અને કોઈપણ અવ્યવસ્થા ન સર્જાય તે માટે સુરક્ષા બંદોબસ્ત પણ જબરદસ્ત બનાવવામાં આવ્યો હતો.
ભારે ભીડ વચ્ચેથી વાજપેયીનો નશ્વર દેહ ભાજપનાં વડામથકે પહોંચ્યો ત્યારે ત્યાં વડાપ્રધાન મોદી, ગૃહ પ્રધાહન રાજનાથ સિંહ, યુપી મુખ્ય પ્રધાન યોગી આદિત્યાનાથ મુખ્યપ્રવેશ દ્વારે વાટ જોઈને ઉભા હતાં. ત્યાં મોદી, અમિત શાહ, અડવાણી, આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ, ભાજપ મહાસચિવ રામ માધવ, ડીએમકે નેતા એ.રાજા, આસામનાં મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, મણિપુરનાં સીએમ બિરેન સિંહ, મહારાષ્ટ્ર સીએમ દેવેન્દ્ર ફડણવીસ, છત્તીસગઢ મુખ્ય પ્રધાન રમણ સિંહ, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, સપા નેતા અખિલેશ યાદવ, ભાજપ સાંસદ હેમા માલિની, દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, ભૂતાનનાં રાજા જિગ્મે ખેસર નામગેયલા વાંગચુક, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, સપાનાં પૂર્વ પ્રમુખ મુલાયમ સિંહ યાદવ સહિતનાં નેતાઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.
બપોરે બે વાગ્યે ભાજપનાં મુખ્યાલયેથી જનનેતા વાજપેયીની દેશભક્તિનાં રંગે રંગાયેલી અંતિમયાત્રાનો આરંભ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત કેબિનેટનાં મંત્રીઓ તિરંગામાં લપેટાયેલા વાજપેયીની અંતિમ યાત્રામાં પગપાળા જોડાયા હતાં. બહાદુર શાહ ઝફર માર્ગ, દિલ્હી ગેઈટ, નેતાજી સુભાષ માર્ગ, નિશાદરાજ માર્ગ અને શાંતિવન થઈને અંત્યેષ્ઠી સ્થાન સ્મૃતિસ્થળે અંતિમયાત્રા પહોંચી એ દરમિયાન દિલ્હીનાં આ તમામ માર્ગો ઉપર હજારોની સંખ્યામાં લોકો ઉમટયા હતાં. `જબ તક સૂરજ ચાંદ રહેગા, વાજપેયીજી કા નામ રહેગા, વંદેમાતરમ અને ભારત માતા કી જય'નાં ઉદ્દઘોષ વચ્ચે અંતિમ યાત્રા જ્યાં-જ્યાંથી પસાર થઈ ત્યાં લોકોની આંખોમાં પાણી છલકાવા લાગ્યું હતું.
સ્મૃતિ સ્થળે પહોંચ્યા બાદ વાજપેયીને સેનાની ત્રણેય પાંખે બંદૂકથી આખરી સલામી આપી હતી અને પછી પૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે વાજપેયીનાં અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવામાં આવી હતી. દેશ વિદેશનાં દિગદિગ્ગજો આ દુ:ખદ ક્ષણોનાં સાક્ષી બનવા ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં અફઘાનિસ્તાન પ્રમુખ હમીદ કરઝાઈ, ભૂતાનનાં રાજા વાંગચુક, પાક.નાં કાનૂન પ્રધાન અલી જાફર, નેપાળનાં વિદેશમંત્રી પી.કે.ગ્યાવલ, શ્રીલંકાનાં કાર્યકારી વિદેશમંત્રી લક્ષ્મણ, બંગલાદેશનાં વિદેશમંત્રી અબ્દુલ હસન મોહમ્મદ અલીએ અંતિમવિધિમાં હાજરી નોંધાવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, સમગ્ર કેન્દ્ર સરકાર, ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યપ્રધાનો અને મંત્રીઓ, ભાજપનાં અગ્રણીઓ, કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ, કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, બિહારનાં મુખ્ય પ્રધાન નીતિશકુમાર, કોંગ્રેસ નેતા અશોક ગેહલોત, એલજેપી નેતા રામવિલાસ પાસવાન, કેજરીવાલ, સિસોદિયા સહિતનાં નેતાઓ અંત્યેષ્ઠીનાં સાક્ષી બન્યા હતાં. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer