ગુજરાતમાં પાણીદાર બીજો રાઉન્ડ : 1થી 6 ઇંચ વરસાદ

ગુજરાતમાં પાણીદાર બીજો રાઉન્ડ : 1થી 6 ઇંચ વરસાદ
અમદાવાદમાં 35 વૃક્ષ ધરાશાયી, બે સ્થળે ભૂવા પડયા : પાંચ અન્ડરપાસ બંધ : ફલાઇટ્સ મોડી, અમુક ફલાઇટ રદ
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.17 બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં લાંબા વિરામ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદમાં 6 કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકયો છે. તો રાજયના 228 તાલુકાઓમાં નોંધાયેલા વરસાદમાં કપડવંજ તાલુકામાં 150 મીમી, પંચમહાલના ગોધરામાં 124 મીમી, ગાંધીનગરના કલોલમાં 111 મીમી, સાણંદમાં 110 મીમી, માતરમાં 104 મીમી વરસાદ દિવસભરમાં નોંધાયો છે.
આજે મોડાસામાં વીજળી પડતા એક યુવાનનું તેની 3 ભેંસ સાથે મૃત્યુ થયું હતું. છોટા ઉદેપુરમાં મકાન ધરાશાયી થતાં 7 વર્ષની બાળકીનું મોત અને એકને ઇજા થઇ હતી. દાહોદની પાનમ નદીના પાણી પાંચ ટ્રક ઉપર ફરી વળ્યા હતા. પંચમહાલની ગોભા નદીમાં ફસાયેલા લોકોને રેસક્યુ કરાયા હતા. અમદાવાદમાં બે સ્થળે ભુવા પડયા, 5 અન્ડરપાસ બંધ થયાં 35 વૃક્ષ ધરાશાયી અને પાંચ સ્થળે આગના બનાવ બન્યા છે.
અમદાવાદમાં વહેલી સવારથી 11 વાગ્યા સુધી 6 કલાકમાં 6 ઇંચ વરસાદ પડી જતાં શહેર જળબંબોળ બની ગયું હતું. વેજલપુરમાં 5ાા ઇંચ વરસાદ નોંધાયો છે. મીઠાખડી, પરિમલ, કુબેરનગર, અખબારનગર, ઉસ્માનપુરાના અન્ડરપાસ પાણી ભરાતા બંધ કરવા પડયા હતા. ઠેરઠેર ટ્રાફિક જામ થયો હતો. 35 સ્થળે વૃક્ષો ધરાશાયી થતાં અનેક વાહનોને નુકશાન થયું હતું. વરસાદને કારણે શોટસર્કિટથી 5 સ્થળે આગ લાગી હતી. બે સ્થળે ભુવા પડયા હતાં. અનેક ફલાઇટસ મોડી પડી હતી તો અમુકને રદ પણ કરવી પડી હતી.
રાજયના વડોદરા, પંચમહાલ, ભરૂચ, આણંદ, દાહોદ, છોટાઉદેપુરમાં બીજા રાઉન્ડમાં સારો વરસાદ પડયો હતો. ગોધરામાં 5 ઇંચ, નસવાડીમાં 4, કવોટામાં 5, છોટા ઉદેપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ થયો છે. તિલકવાડામાં 5, ભરૂચના વાગરામાં 3, આણંદમાં 3, બાલાસિનોરમાં 3 તથા વડોદરામાં બે ઇંચ વરસાદ થયો છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer