સોમવારથી મરાઠા આરક્ષણ માટે `ભૂખ હડતાળ''

મુંબઈ, તા. 18 : મરાઠા ક્રાંતિ મોરચાના જનરલ સેક્રેટરી રાજેન્દ્ર કોંઢારેએ મરાઠા આરક્ષણના મુદ્દે જણાવ્યું હતું કે `અમે કેટલાંક સ્થળોએ ભૂખ હડતાળ આંદોલન શરૂ કર્યું છે, પરંતુ સ્વતંત્રતા દિવસ અને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનને કારણે તે વેગવાન બન્યું નથી. જોકે, અમે સમન્વય સાધવા માટે બેઠકો યોજી રહ્યાં હોઈ સોમવાર, 20મી અૉગસ્ટથી સમગ્ર રાજ્યમાં ભૂખ હડતાળ શરૂ કરીશું.
આ મુદ્દે મોરચાના પ્રમુખ વિનોદ પાટીલે ખુલાસો કર્યો હતો કે આંદોલનમાં બહારનાં તત્ત્વોએ હિંસાચાર કરી તેનો ગેરલાભ ઉઠાવ્યો હતો.
મરાઠા સમાજે કદી પણ હિંસાને સમર્થન દર્શાવ્યું નથી. આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન નિવારવા અને રાજ્ય સરકાર પર દબાણ લાવવા અમે ભૂખ હડતાળ યોજવાની ઘોષણા કરી હતી. જોકે, તે હજી વેગવાન બન્યું નથી.
દરમિયાન સકલ મરાઠા સમાજે પણ 15મી અૉગસ્ટથી સમગ્ર રાજ્યમાં ભૂખ હડતાળ યોજવાની જાહેરાત કરી હતી, પરંતુ તેને હજી સુધી ગતિશીલતા સાંપડી નથી.
વિરોધ પ્રદર્શન અને બંધ દરમિયાન થયેલી હિંસાની ઘટનાઓ માટે સમાજે પણ બાહ્ય તત્ત્વોને જવાબદાર ગણાવ્યાં હતાં.
 
 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer