કૅમ્પાકૉલાની લીઝ રદ થશે

કૅમ્પાકૉલાની લીઝ રદ થશે
મુંબઈ, તા. 18 : વરલીસ્થિત કૅમ્પાકોલાના પ્લૉટ પર ગેરકાયદે બાંધકામ દ્વારા લીઝની શરતોનું ઉલ્લંઘન થયું હોવાનું કારણ આપીને એડિ. મ્યુનિસિપલ કમિશનરે પ્રમોટર પ્યોર ડ્રિંકસનો 999 વર્ષની લીઝ રદ કરવાનો આદેશ આપ્યો છે.
પ્યોર ડ્રિંકસના વકીલ દીપક ચિટનીસે ગઈકાલે જણાવ્યું હતું કે `મને લીઝ રદ કરાયાના આદેશની જાણ કરાઈ છે, પણ તેનો અર્થ એમ થશે કે સદર પ્લૉટના માલિક તરીકે પાલિકા ચાલુ રહે છે અને ફલૅટધારકોને કેવળ તેમના બાંધકામનો જ અધિકાર રહેશે, જમીનનો નહીં. અમે આ આદેશને પડકારીશું.'

કૅમ્પાકોલા કંપાઉન્ડ 2013થી કાનૂની વિવાદના કેન્દ્રમાં રહ્યું છે, જ્યારે સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત પાલિકાના ડિમોલિશનના આદેશને માન્ય રાખ્યો હતો, પરંતુ પાછળથી રાહત આપતાં કંપાઉન્ડમાંની છ સોસાયટીઓને `રેગ્યુલરાઈઝેશન' માટે રાજ્ય સરકારને અરજી કરવા પરવાનગી આપી હતી.
પ્યોર ડ્રિંકસ અને રહેવાસીઓની સુનાવણી કરનારા આઈએએસ અધિકારી એ. એલ. જરહાદે અંતિમ નિષ્કર્ષમાં જણાવ્યું હતું કે લીઝની શરતોમાં ઘણા નિયમોનું ઉલ્લંઘન કરાયું છે, જેમાં એફએસઆઈ વાયોલેશન, પરવાનગી લીધા વીના બાંધકામ તેમ જ લીઝહોલ્ડ રાઈટ્સ અન્યને ટ્રાન્સફર કરી દેવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
એક રહેવાસીએ હાઈ કોર્ટમાં અરજી કરી જણાવ્યું હતું કે પ્યોર ડ્રિંકસે અંશત: લીઝહોલ્ડ રાઈટ્સ પાલિકાની મંજૂરી લીધા વિના બીલ્ડર કૃષ્ણા ડેવલપર્સને વેચી દઈ લીઝની શરતોનું ઉલ્લંઘન કર્યું છે.
પાલિકાએ સર્વપ્રથમ 2010માં `લીઝના ટર્મિનેશન' માટે શો-કૉઝ નોટિસ આપી હતી, જ્યારે 2018ના પ્રારંભે પાલિકાએ 2016નો એ આદેશ રદ કર્યો હતો, જેમાં પ્લૉટને ફકત 30 વર્ષના લીઝ સાથે બે પ્લૉટમાં વિભાજિત કરવા જણાવાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer