એફએમસીજી અને ફાર્મા શૅર્સના સથવારે શૅરબજારોમાં ખરીદી પાછી ફરી

એફએમસીજી અને ફાર્મા શૅર્સના સથવારે શૅરબજારોમાં ખરીદી પાછી ફરી
સેન્સેક્ષમાં 304 અને નિફ્ટીમાં 82 પૉઇન્ટ્સની રિકવરી
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : શૅરબજારમાં આજે બે દિવસના ઘટાડાની સામે તીવ્ર વધઘટ અંતે પ્રત્યાઘાતી ઉછાળો આવ્યો હતો. એનએસઈ ખાતે નિફ્ટી શરૂઆતમાં ગઇકાલના બંધ 11,287થી ઉપર 11,340 ખૂલ્યા પછી ટ્રેડિંગ દરમિયાન 11,250 સુધી નીચે ખાબક્યો હતો. રૂપિયો આજે પુન: સવારના ટ્રેડમાં ડૉલર સામે ઘટીને 72.91 ઉતર્યા પછી રિઝર્વ બૅન્કની ભારે લેવાલી પછી સુધરીને 72.20ના સ્તરે આવ્યો હતો. જ્યારે શૅરબજારમાં નીચા ભાવથી એફએસસીજી ઇન્ડેક્સ 2.5 ટકા અને ફાર્મા ઇન્ડેક્સ 1 ટકા સુધરવાથી બજારમાં ઘટાડા પછી પુન: સુધારો શરૂ થયો હતો. જેથી નીચા ભાવે અગ્રણી શૅરોમાં સટ્ટાકીય વેચાણ કપાતા પ્રત્યાઘાતી ઉછાળે ટ્રેડિંગ અને નિફ્ટી 82 પોઇન્ટ સુધારે 11,370ના સ્તરે બંધ રહ્યો હતો. જેથી નિફ્ટીના 31 શૅર વધીને બંધ રહ્યા હતા. જ્યારે 19 શૅર ઘટાડે બંધ હતા. જેને પગલે બીએસઈમાં સેન્સેક્ષ પણ 305 પોઇન્ટ વધીને 37,718ના સ્તરે બંધ રહ્યો હતો. આજે એફએમસીજીના શૅરોમાં ગ્લેક્સો સ્મીથકલાઇન અને આઇટીસી અને ફાર્મામાં સનફાર્મા નોંધપાત્ર સુધર્યા હતા. ગુરુવારે ગણેશ ચતુર્થીએ બજાર બંધ રહેશે.
આજે શૅરબજારમાં એશિયન બજારની નબળાઈને અવગણીને સટ્ટાકીય લેવાલીનો માહોલ હતો. અમેરિકા અને ચીનના ટ્રેડ વૉર જોખમને ધ્યાને લેતા આ ઉછાળો કેટલો ટકાઉ નીવડશે એ સમય કહેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેટલાક સારા ફંડામેન્ટલ શૅરમાં નીચા ભાવે રોકાણકારો તબક્કાવાર ખરીદી શરૂ કરી રહ્યાનો સંકેત છે. જેથી આજે પાવરગ્રીડ, રૂા. 7, આઇટીસી, રૂા. 10, હિન્ડાલ્કો રૂા. 6 એમયુએલ રૂા. 6, તાતા સ્ટીલ રૂા. 14, બ્યુપીન રૂા. 19, વેદાન્ત રૂા. 4, ગ્રાસીમ રૂા. 16, વીપ્રો રૂા. 5, આરઆઈએલ રૂા. 15, ઇન્ફોસીસ રૂા. 7, વધ્યા હતા. જ્યારે એચડીએફસી રૂા. 10 અને બજાજ અૉટોમાં રૂા. 34નો સુધારો નોંધાયો હતો.
આજના ઘટાડાની આગેવાની લેતા મારુતિ સુઝુકી રૂા. 23, એશિયન પેઇન્ટ રૂા. 7, હીરો મોટર્સ રૂા. 20, આઈસીઆઈસીઆઈ બૅન્ક રૂા. 4, બીપીસીએલ અને એચપીસીએલ બંને રૂા. 4, એક્સીસ બૅન્ક રૂા. 14 અને તાતા મોટર્સ રૂા. 5 ઘટયા હતા.
મનીકન્ટ્રોલના એનલિસ્ટોના અનુમાન પ્રમાણે ટેક્નિકલી જોતા નિફ્ટીમાં વધઘટે નીચેમાં 11,064નું લેવલ ટેસ્ટ થવાની સંભાવના છે. અત્યારે એમએસીડી ઇન્ડિકેટરના મોમેન્ટમ સિગ્નલ લાઇનની નીચે હોવાથી નવી તેજીના સંજોગો ઓછા છે. જ્યારે ઉપરમાં હવે સમીક્ષકોના મત પ્રમાણે 11,430-50 મુખ્ય અવરોધક સપાટી અને 11,305 સપોર્ટ લેવલ બને છે. બે દિવસના ઘટાડા દરમિયાન નિફ્ટી-500ના 300 શૅરોના ભાવ તેની 200 ડીએમએ નીચે ક્વૉટ થયા હતા. જે ઘટાડામાં સામે પ્રવાહે સારા શૅરમાં હિંમતથી લેવાલી કરનાર માટે આકર્ષક ગણાય.
હવે શુક્રવારે જુલાઇના ઔદ્યોગિક ઉત્પાદન આંકડા અને અૉગસ્ટના ફુગાવાના આંકડા જાહેર થવાની તીવ્ર અસર આગામી સોમવારે બજારનો ભરડો લેશે. ઔદ્યોગિક ઉત્પાદન આંકડા સારા રહેશે તો કૉર ક્ષેત્ર, ઊર્જા અને સ્ટીલ ક્ષેત્રના સારા શૅરમાં સુધારો થવાની સંભાવના રહેશે એમ બજારના જાણકારો માને છે.
દરમિયાન અત્યારના ઘટાડામાં અનેક ફંડામેન્ટલી પરંપરાગત મજબૂત શૅરો પણ ગાડરીયા પ્રવાહમાં ઘટયા છે. જેમાં વર્ષના ઊંચા-નીચા ભાવની પોતાના રીતે ગણતરી કરીને તબક્કાવાર તદન નીચા ભાવે ખરીદી કરવામાં લાંબા ગાળે લાભ થવાનો કેટલાક અનુભવીઓનો મક્કમ અભિપ્રાય છે. જોકે, આ ખરીદી માત્ર ડિલિવરી બેઝડ કરવી જરૂરી છે. કોઈ પણ સટ્ટાકીય ગણતરી 2019 મધ્ય સુધી અનેક રાજકીય ઉથલપાથલને લીધે ઉપયોગી થઈ શકે તેમ નથી.
એશિયન બજારો
દરમિયાન, આજે ચીન-અમેરિકાની ટ્રેડ વોરના ભણકારા વધતા એશિયાની મુખ્ય બજારોમાં 14 મહિનાની સૌથી વધુ નબળાઈ જોવાઈ હતી. જેમાં એમએસસીઆઈ બ્રોડેક્સ (એશિયા પેસિફિક) શૅરોનો ઇન્ડેક્સ 0.4 ટકા ઘટાડે રહ્યો હતો. શાંઘાઈ કોમ્પોઝીટ ઇન્ડેક્સ 0.3 ટકા અને જપાનમાં ટોક્યોમાં નિફ્ટી 0.4 ટકા જ્યારે દક્ષિણ કોરિયા કોસ્પી 0.3 ટકા ઘટીને બંધ રહ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer