ઈથેનોલના ભાવમાં 25 ટકાનો વધારો જાહેર

ઈથેનોલના ભાવમાં 25 ટકાનો વધારો જાહેર
નવી પ્રાપ્તિ યોજનાને મંજૂરી 
 
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 12 : કેન્દ્રીય પ્રધાન મંડળે ઈથેનોલના ભાવમાં 25 ટકાના વધારાને મંજૂર કર્યો છે. આ નિર્ણયથી ખાંડ કારખાનાને તેમના ઉત્પાદનમાંથી ઈથેનોલનું વધારે ઉત્પાદન કરવા પ્રેરશે. ખાંડના વધારે ઉત્પાદનને કારણે ભાવ ઘટાડાનો સામનો ઉદ્યોગે કરવો પડયો છે.
સરકારે નવી પ્રાપ્તિ યોજના મંજૂર કરી છે જે હેઠળ એક યોજના તેલીબિયાંના ખેડૂતોને ભાવ એમએસપીથી ઓછા હશે તો તેને વળતર ચૂકવવા ઉપર ધ્યાન આપશે અને બીજી યોજના રાજ્યોને પ્રોક્યોરમેન્ટ માટે ખાનગી કંપની નિમવાની પરવાનગી આપશે, એવું સૂત્રોએ કહ્યું હતું.
આ સંબંધે નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની પ્રધાન મંડળની બેઠકમાં લેવાયો હતો. આ વર્ષના બજેટમાં સરકારે જાહેર કર્યું હતું કે ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) મળે તે માટે પૂર્ણ ટેકો આપશે. સરકારે નીતિ આયોગને કેન્દ્રીય કૃષિ મંત્રાલય અને રાજ્યો સાથે ચર્ચા કરીને તેનો ઉકેલ લાવવા જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે કૃષિ મંત્રાલયનો નવી પ્રોક્યોરમેન્ટ પૉલિસી `અન્નદાતા મૂલ્ય સંરક્ષણ યોજના' ના પ્રસ્તાવને પ્રધાન મંડળમાં ચર્ચા કરાયો હતો અને તેને મંજૂર કરાયો હતો. નવી પૉલિસી હેઠળ રાજ્ય સરકારોને એમએસપીના ભાવ ઘટે ત્યારે ખેડૂતોનું રક્ષણ કરવા માટે વિવિધ યોજના પસંદ કરવાનો વિકલ્પ અપાશે. 
મધ્યપ્રદેશ સરકારની ભાવાંતર ભુગતાન યોજના (બીબીવાય) ને સમાંતર નવી યોજના `પ્રાઈસ ડેફિસિયન્સી પેમેન્ટ (પીડીપી)'  ઘડાશે. પીડીપી હેઠળ સરકાર ખેડૂતોને એમએસપી અને જથ્થાબંધ બજારમાં ક્વોટ થયેલા તેલીબિયાંના માસિક સરેરાશ ભાવનો તફાવત ચૂકવશે. રાજ્યમાં તેલીબિયાંનું 25 ટકા ઉત્પાદન થતું હશે ત્યાં આ લાગુ થશે. 
આ ઉપરાંત રાજ્યોને તેલીબિયાંના પ્રોક્યોરમેન્ટ માટે ખાનગી કંપની નિમવાની છૂટ અપાશે. પીડીપી અને ખાનગી કંપનીનો સહયોગ વિશેષરૂપે તેલીબિયાં માટે જ છે કારણકે સરકાર રાંધણ ગેસ માટે આયાત ઉપરની નિર્ભરતા ઘટાડવા માગે છે, એમ સૂત્રોએ કહ્યું હતું.
નવી પૉલિસી હેઠળ રાજ્યોને વર્તમાન પ્રાઈસ સપોર્ટ સ્કીમ (પીએસએસ) પસંદ કરવાનો પણ વિકલ્પ અપાશે. જે હેઠળ જ્યારે એમએસપીની નીચે ભાવ જાય તો સેન્ટ્રલ એજન્સી એમએસપી પૉલિસી હેઠળ આવરી લેવાયેલી કૉમોડિટીસને ખરીદશે.  સૂત્રોએ ઉમેર્યું કે, ``રાજ્યો પીએસએસ અથવા પીડીપી અથવા ખાનગી કંપનીને નિમવાના વિકલ્પમાંથી પસંદગી કરી શકશે.''

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer