યુકેની કોર્ટમાં ભારતીય જેલોની સ્થિતિનો વીડિયો રજૂ કરાયો

લંડન/નવી દિલ્હી, તા. 12 (પીટીઆઈ) : આ અગાઉ કોર્ટ બહાર માલ્યાને નાણામંત્રી સાથે મુલાકાત અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે માલ્યાએ કહ્યું હતું કે, તે મુલાકાતની વિસ્તારથી માહિતી આપી શકે નહી. વધુમા માલ્યાએ ઉમેર્યું હતું કે, લોન મુદ્દે સમાધાન માટે તેણે વારંવાર બેંકોને પત્ર લખ્યા હતા. પરંતુ બેંકોએ પત્ર ઉપર જ સવાલ ઉઠાવ્યા હતા. વધુમાં બેંકો દ્વારા મુકવામાં આવેલા આરોપો પણ પાયાવિહોણા હોવાનો દાવો કર્યો હતો. આ દરમિયાન ભારતની એજન્સીએ કોર્ટમાં ભારતીય જેલોની સ્થિતિનો એક વીડિયો રજૂ કર્યો હતો. જેના ઉપર માલ્યાએ સવાલ ઉઠાવીને ભારતને ન સોંપવા કોર્ટમાં અપીલ કરી હતી. બીજી તરફ માલ્યાએ જેટલી સાથે મુલાકાત કરી હોવાનું નિવેદન આપતાં વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના પગલે તાકીદે નાણામંત્રી અરૂણ જેટલીએ સ્પષ્ટતા કરતા મુલાકાત ક્યાં અને કેવી રીતે થઈ હતી તેની વિગતો આપી હતી. 
જેટલીએ પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું હતું કે, માલ્યાનું નિવેદન પાયાવિહોણું છે. રાજ્યસભાના સભ્ય હોવાના નાતે માલ્યાએ એક વખત મળવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેઓ સદનમાંથી બહાર નિકળીને પોતાની ઓફિસ તરફ જઈ રહ્યા હતા.  જેટલીએ ઉમેર્યું હતું કે, ઝડપથી તેઓની પાસે આવીને માલ્યાએ કહ્યું હતું કે, તે સમગ્ર વિવાદનું નિરાકરણ કરવા માગે છે. પરંતુ તેમાં કોઈ તથ્ય ન હોવાથી બેંકો સાથે વાતચીત કરવા કહ્યું હતું. બેંકોના કરજ સંબંધિત કારોબારી હિતને જોતા મુલાકાત માટે સમય આપવાની તો વાત જ ઉભી થતી નથી. આનાથી વિશેષ કોઈ વાતચીત થઈ નહોતી અને આ વાત પણ માલ્યાને રાજ્યસભાના સભ્ય હોવાના નાતે મળેલા વિશેષાધિકારના કારણે થઈ હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer