આજથી યુએઇમાં એશિયા કપ : ટીમ ઇન્ડિયા કોહલી વિના મેદાને પડશે

આજથી યુએઇમાં એશિયા કપ : ટીમ ઇન્ડિયા કોહલી વિના મેદાને પડશે
પ્રારંભિક મૅચમાં શ્રીલંકાની ટક્કર બાંગ્લાદેશ સામે: તમામ મૅચ 5-00 વાગ્યાથી શરૂ થશે
ભારત-પાકિસ્તાન વચ્ચેના મુકાબલા પર તમામની નજર
 
દુબઇ, તા.14: સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની અનુપસ્થિતિમાં શનિવારથી અહીં 6 દેશ વચ્ચે શરૂ થઇ રહેલ એશિયા કપની ચમક ભલે થોડો ફીકી પડી ગઇ હોય, પણ સૌથી રોમાંચક ટક્કર ભારત-પાકિસ્તાન વચ્ચે જોવા મળશે. એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે બે મુકાબલા નિશ્ચિત છે અને જો બન્ને ટીમ ફાઇનલમાં પહોંચશે તો ત્રણ મુકાબલા થશે. ટૂર્નામેન્ટની શરૂઆત આવતીકાલ શનિવારે બંગલાદેશ અને શ્રીલંકા વચ્ચેના મેચથી થશે. તમામ મેચ ભારતીય સમય અનુસાર 5-00 વાગ્યાથી શરૂ થશે. 
ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલો મેચ 19મીએ બુધવારે રમાશે. જે લીગ રાઉન્ડનો હશે. આ પછી બીજી ટક્કર સુપર ફોરમાં થશે. એવી ગણતરી થઇ રહી છે કે 28મીએ રમાનાર ફાઇનલમાં પણ ભારત-પાકિસ્તાન આમને -સામને હશે. તો એ મેચ બ્લોકબ્લસ્ટર મુકાબલો બની રહેશે.  ભારત પાસે એ જોવાનો મોકો રહેશે કે સુકાની કોહલી વિના ટીમ દબાણ કેવી રીતે પાર પાડી શકે છે. રોહિત શર્માના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ એશિયા કપમાં તેના અભિયાનનો પ્રારંભ 18મીએ હોંગકોંગ સામે રમીને કરશે. તેના પછીના દિવસે જ ભારતની પાક. સામે ટક્કર થશે.
રોહિત શર્મા સફેદ દડાનો શાનદાર ખેલાડી છે. જો કે સારી ટીમ સામે તેના નેતૃત્વની હજુ કસોટી થઇ નથી. છેલ્લે તેણે ગત ડિસેમ્બરમાં શ્રીલંકા વિરૂધ્ધ નેતૃત્વ સંભાળ્યું હતું.  હવે યૂએઇમાં રમાનાર એશિયા કપમાં રોહિત શર્મા પાકિસ્તાન, શ્રીલંકા અને બંગલાદેશ સામે ભારતીય ટીમને કેવી રીતે જીત અપાવે છે તેના પર નજર રહેશે. 
એશિયા કપમાં અફઘાનિસ્તાનની ટીમનો ઓછામાં ઓછો એક અપસેટ કરવા પર રહેશે. તેની પાસે રાશિદ ખાન જેવા વિશ્વ કક્ષાના ખેલાડી છે. શ્રીલંકાની નજર પણ યુવા ખેલાડીઓના સહારે એશિયા કપ જીતવા પર રહેશે. તો પાકિસ્તાનનું લક્ષ્ય ચેમ્પિયન્સ ટ્રોફીની સફળતાનું અહીં પુનરાવર્તન કરવા પર રહેશે. છઠ્ઠી ટીમ હોંગકોંગ છે. તેના મેચને પણ ઇન્ટરનેશનલ મેચનો દરજ્જો મળ્યો છે.  ટીમનો સુકાની ભારતીય મૂળનો અંશુમન રથ છે. હોંગકોંગની ટીમની કોશિશ જીતની નહીં રહે પણ સારી પ્રતિસ્પર્ધી ટીમ તરીકેની રહેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer