ડયૂટીમુક્ત આયાતના ઘોડાપૂર સ્વદેશી બિનલોહ ધાતુ ઉદ્યોગની કમર ભાંગી નાખશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : બિનલોહ ધાતુ ઉદ્યોગ ઉપર આયાતમાં વૃદ્ધિનો એક મોટો પડકાર તોળાઈ રહ્યો છે. આસિયાન દેશો સાથેના મુક્ત વેપાર કરારના પગલે દેશમાં 2011થી 2018 દરમિયાન બિનલોહ ધાતુ પ્રોડક્ટસ આયાત 3457 ટકા વધી છે. હવે રીજનલ કમ્પ્રીહેન્સીવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરઈસીપી) આ વર્ષે સંપન્ન થાય ત્યાર બાદ ચીનથી થનારી સસ્તી ડયૂટી મુક્ત આયાત વધશે. આ આયાતના પૂરમાં હજારો બિનલોહ ધાતુની એન્જિનિયરિંગ હાર્ડવેર અને મર્ચેન્ડાઇઝડ આઇટમની પ્રોડક્ટ બનાવતાં કારખાનાં કેવી રીતે ટકી શકશે એની ફડક ઉદ્યોગને અત્યારથી છે.
આરસીઈસી કરારને લીધે ચીન, બ્રુનેઈ, કંબોડિયા, મ્યાનમાર, સિંગાપોર વિયેતનામ, થાઈલેન્ડ, જપાન, દક્ષિણ કોરિયા અને ન્યૂ ઝીલૅન્ડ સહિતના દેશોમાંથી કોપર, કોપર એલોયસ, ટયૂબ શીટસ સળિયા જેવી ચીજોની ડયૂટી મુક્ત થશે. તેથી આયાત આસમાને પહોંચશે. બીજી તરફ સ્વદેશી ઉત્પાદકોને બિનલોહ ધાતુનો ભંગાર પાંચ ટકા ડયૂટી ભરીને આયાત કરવાનો હોય છે. આની સામે આયાતી ફિનીશ્ડ પ્રોડક્ટ ડયૂટી મુક્ત આપશે. તેઓ `મેઇક ઇન ઇન્ડિયા'ના નારા વચ્ચે સ્વદેશી ઉત્પાદકોનો મૃત્યુઘંટ વાગશે એમ ઉદ્યોગ સૂત્રોએ કહ્યું હતું.
બૉમ્બે મેટલ એક્સચેન્જના પ્રમુખ રીકબ મહેતાએ જણાવ્યું છે કે આ ગંભીર સમસ્યા વિષે ચર્ચા કરવા બૉમ્બે મેટલ એક્સચેન્જ તમામ બિનલોહ ધાતુ ઍસોસિયેશનની એક મિટિંગ બોલાવાશે. આવતા મહિને મળનારી આ મિટિંગમાં આરસીઈપીનો સંયુક્ત વિરોધ આ મુદ્દાની કેન્દ્ર સરકારને વ્યાપક સમજ આપવાનો પ્રયાસ, મેઇક ઇન ઇન્ડિયા પ્રમાણે સ્વદેશી ઉદ્યોગના રક્ષણની રજૂઆત કરવા બાબતે ચર્ચા કરી નિર્ણય લેવાશે.
Published on: Sat, 15 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer