ભારત ઈરાનથી ક્રૂડતેલની આયાત ઘટાડતું જશે

નવી દિલ્હી, તા. 14 : ભારતની ઈરાનથી ક્રૂડતેલની આયાતમાં સપ્ટેમ્બર અને અૉક્ટોબર દરમિયાન પચાસ ટકાથી વધુ ઘટાડો થવાની શક્યતા છે.
અમેરિકાએ ઈરાન પર નિકાસ પ્રતિબંધો લાદ્યા તે પછી ભારતીય રિફાઇનરીઓએ એપ્રિલથી અૉગસ્ટ દરમિયાન તેમની ક્રૂડતેલની દૈનિક આયાત ઘટાડીને 6,58,000 બેરલ કરી હતી. આ આયાત અગાઉ 1.2 મિલિયન બેરલની હતી. હવે સપ્ટેમ્બર-અૉક્ટોબરમાં ક્રૂડતેલ આયાત વધુ ઘટીને 3.60 લાખથી 3.70 લાખ બેરલ જ થવાની ધારણા છે.
એનર્જી આસ્પેક્ટના એનલિસ્ટના અપ્રીત સેનના જણાવ્યા પ્રમાણે કેટલાક રિફાઇનરોએ ક્રૂડતેલની આયાતના કરાર ટાળી દીધા છે અથવા તે મહદ્ અંશે પૂરા કર્યા છે. જેથી નવા સમીકરણોમાં સમસ્યાથી બચી શકાય. જોકે, સરકારી અધિકારીએ જણાવ્યું છે કે ભારતને અમેરિકા સાથે વિશેષ સંબંધ છે. જેને અનુરૂપ થવા ઈરાન સાથેના વ્યાપારમાં અને વપરાશકારોનાં હિતમાં સ્થિતિનું સમતુલન જાળવવા પ્રયાસ થશે.
દરમિયાન રિલાયન્સ અને એચએમઈએલના ઈરાન સાથે કોઈ પ્રકારનો ટર્મ કૉન્ટ્રેક્ટ નથી. જ્યારે એચપીસીએલ, આરઆઈએલ અને એચએમઈએલ કંપનીઓ સપ્ટેમ્બર-અૉક્ટોબર દરમિયાન ઈરાનથી ક્રૂડતેલ આયાત કરવા માગતી નથી.
Published on: Sat, 15 Sep 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer