રૂપિયો સુધારવા માટેની વડા પ્રધાનની બેઠક પૂર્વે સૂચકાંકો ઊછળ્યા

ખાંડ અને ખાતર શૅરોમાં લાવ-લાવ 

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : સપ્તાહના છેલ્લા દિવસે શૅરબજારે ધમાકેદાર પર્ફોર્મન્સ દર્શાવ્યો. પ્રોત્સાહક આર્થિક આંકડાઓને પગલે ચોતરફ લેવાલીને પગલે સૂચકાંકો ઉછળ્યા હતા. ફુગાવાના આંકડા જાહેર થયા પછી અર્થતંત્ર સુખદ સ્થિતિમાં હોવાની જાણ થતાં જ ઘરઆંગણાના સંસ્થાકીય રોકાણકારો દ્વારા તમામ ક્ષેત્રોમાં ભારે ખરીદી જોવા મળી હતી. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ અૉફિસ (સીએસઓ)એ શુક્રવારે જથ્થાબંધ ભાવાંકના આધારે ફુગાવાના આંકડા જાહેર કર્યા હતા, જે ખાદ્યાન્નના ભાવ ઘટતાં અૉગસ્ટમાં 4.53 ટકાએ ચાર મહિનાને તળિયે નોંધાયા હોવાથી બજારે રાહતનો શ્વાસ લીધો હતો. ગયા વર્ષે જુલાઈ અને અૉગસ્ટમાં જથ્થાબંધ ભાવાંકને આધારે ફુગાવો અનુક્રમે 5.09 ટકા અને 3.24 ટકા હતો.
અગાઉ સરકારે ઓગસ્ટ મહિના માટે છૂટક ફુગાવાના આંકડા જાહેર કર્યા હતા, જે 3.69 ટકાએ 10 મહિનાને તળિયે હતા. રૂપિયાને ગગડતો અટકાવવા માટે વડા પ્રધાને શનિવારે બેઠક બોલાવી હોવાથી રૂપિયામાં પણ સુધારાના સંકેત હતા.
વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણની અસર પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ ઉપર જોવા મળી હતી. અમેરિકા અને ચીન ટેરિફને મુદ્દે નવેસરથી વાત કરવા તૈયાર થયા હોવાથી એશિયાનાં શૅરબજારોમાં તેજી જોવા મળી હતી. હેન્ગ સેન્ગ અને નિક્કી 225 પ્રત્યેક એક ટકાથી વધુ વધીને બંધ નોંધાયા હતા, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ 0.18 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. ઉપરાંત ટર્કીની મધ્યસ્થ બૅન્કે વ્યાજ દરમાં નિર્ણયાત્મક વધારો કરતાં વૈશ્વિક જોખમ સામે રક્ષણ મળ્યું હતું. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીના અંદાજ મુજબ સપ્ટેમ્બર, 2019 સુધીમાં સેન્સેક્ષ 42,000ની ટોચ આંબશે. જોકે, તેણે આગામી વર્ષની સામાન્ય ચૂંટણીઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એમ પણ જણાવ્યું છે.
સેન્સેક્ષ 373 પોઈન્ટ એટલે કે 0.99 ટકા વધીને 38,090 તેમ જ નિફ્ટી 145 પોઈન્ટ એટલે કે 1.28 ટકા વધીને 11,515ની સપાટીએ બંધ નોંધાયો હતો. સેન્સેક્ષમાં માત્ર બે શૅર્સ કોલ ઇન્ડિયા (1.42 ટકા) અને ઈન્ફોસિસ 1.01 ટકા) ઘટયા હતા. નિફ્ટીના ચાર શૅર્સ એચસીએલ ટેક, કોલ ઇન્ડિયા, ઈન્ફોસિસ અને ગેઈલ ઘટીને બંધ નોંધાયા હતા. બીએસઈ મિડકેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ સેન્સેક્ષ કરતાં વધુ તેજી દર્શાવતા હતા અને અનુક્રમે 1.62 ટકા એ 1.38 ટકા વધીને બંધ નોંધાયા હતા. સમગ્ર સપ્તાહમાં સેન્સેક્ષે 0.78 ટકા અને નિફ્ટી 0.64 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે.
સેન્સેક્ષના અફડાતફડીવાળા શૅર્સ
વેદાંત 5.25 ટકા વધારા સાથે ટોચનો સૌથી વધેલો શૅર હતો. તે પછી પાવર ગ્રિપડ 3.31 ટકા, એશિયન પેઇન્ટ્સ 3.04 ટકા, એનટીપીસી ત્રણ ટકા અને યસ બૅન્ક 2.75 ટકા વધ્યો હતો. સેન્સેક્ષને ઊંચે લઈ જવા માટે શૅર્સનું યોગદાન જોઈએ  તો ટોચના શૅર્સ અનુક્રમે એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બૅન્ક, ઈન્ડસઈન્ડ બૅન્ક, એચડીએફસી બૅન્ક એ વેદાંત હતા.
સુગર શૅર્સમાં ભારે તેજી
શુક્રવારે મોટા ભાગના તમામ સુગર શૅર્સમાં ભારે તેજી જોવા મળી હતી. સરકારે ઈથેનોલના ભાવમાં 25 ટકા વધારાને મંજૂરી આપતાં પોન્ની સુગર્સ (ઈરોડે) 20 ટકા, રાણા સુગર્સ 20 ટકા, મગધ સુગર્સ ઍન્ડ ઍનર્જી 20 ટકા, પિક્કાડિલી એગ્રો 20 ટકા, દાલમિયા ભારત સુગર, ઉત્તમ સુગર મિલ્સ, રાજશ્રી સુગર્સ, સિમ્ભાવલી સુગર્સ, કેસર એન્ટરપ્રાઈસ, ધામપુર સુગર મિલ્સ, દ્વારિકેશ સુગર અને ઉગર સુગર વર્ક્સ 20 ટકા સુધીનો ઉછાળો દર્શાવતા હતા.
ફર્ટિલાઈઝર શૅર્સમાં લાવ-લાવ
પ્રધાન મંડળે ખાદ્યાન્નની પ્રાપ્તિ માટે નવી નીતિ હેઠળ રૂા. 15,053 કરોડ મંજૂર કરીને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે સુનિશ્ચિત કરવાનું વચન આપતાં ફર્ટિલાઈઝર શૅર્સ ઉપર રોકાણકારોએ નજર ઠેરવી હતી. ફર્ટિલાઈઝર્સ ઍન્ડ કેમિકલ્સ ત્રાવણકોરના શૅર 11.96 ટકા, આરસીએફ 9.15 ટકા, નાગાર્જુન ફર્ટિલાઝર્સ 5.76 ટકા, નેશનલ ફર્ટિલાઈઝર 4.81 ટકા, રામા ફોસ્ફેટ્સ 3.93 ટકા, ચંબલ ફર્ટિલાઈઝર્સ, જીએસએફસી, કોરોમંડલ ઈન્ટરનેશનલ અને બસન્ત એગ્રો ટેક (ઇન્ડિયા)ના શૅર્સમાં આકર્ષક વૃદ્ધિ જોવા મળી હતી.
વધુપડતી લેવાલી-વેચવાલી
આઈએલ ઍન્ડ એફએસ એન્જિનિયરિંગ, ઈન્ટ્રાસોફ્ટ ટેક, શંકરા બિલ્ડિંગ, જિન્દાલ વર્લ્ડવાઈડ, વર્ધમાન ટૅક્સટાઈલ્સ, બ્લુ ડાર્ટ એ શ્રેયસ શિપિંગના શૅર્સ એનએસઈમાં વધુ પડતી વેચવાલી દર્શાવતા હતા. બીજી તરફ વિપ્રો, મવાના સુગર્સ, શક્તિ સુગર્સ, દાલમિયા ભારત સુગર, અવધ સુગર અને સિંભાવલી સુગર્સના શૅર્સ વધુ પડતી લેવાલી દર્શાવતા હતા.
આઈએલઍન્ડએફએસ ગ્રુપ કંપનીઓમાં કડાકો
આઈએલએન્ડએફએસ ગ્રુપની કંપનીઓ આઈએલએન્ડએફએસ ઇન્વેસ્ટમેન્ટ, આઈએલએન્ડએફએસ ટ્રાન્સપોર્ટેશન અને આઈએલએન્ડએફએસ એન્જિનિયરિંગના શૅરો વર્ષના તળિયે ક્વોટ થયા હતા. કંપની દ્વારા સીડબીની રૂા. 1000 કરોડના ડીરોલ્ટ અહેવાલોથી ગ્રુપ કંપનીઓના શૅરોમાં કડાકો બોલાયો હતો. ઉપરોક્ત ગ્રુપને રૂા. 450 કરોડની ડિપોઝિટ માટે આરબીઆઈએ ડાઉન ગ્રેડ કર્યું હતું. કંપનીએ રૂા. 3000 કરોડની નવી તત્કાલ લોનની માગ કરી છે.
એનએસઈમાં 73 શૅર્સમાં બાવન સપ્તાહનું તળિયું જોવા મળ્યું હતું, જેમાં એગ્રિ-ટેક (ઇન્ડિયા), મોનેટ ઈન્પાત, ઓલકેમિસ્ટ, બારટ્રોનિક્સ ઇન્ડિયા અને ડીબી કોર્પ સામેલ હતા. 
Published on: Sat, 15 Sep 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer