જથાબંધ ફુગાવો ચાર મહિનાની નીચી સપાટીએ

નવી દિલ્હી, તા. 14 : જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો અૉગસ્ટમાં 4.53 ટકાએ નોંધાયો છે જે ચાર મહિનાની નીચી સપાટી છે. ખાદ્ય પદાર્થોના અને ખાસ કરીને શાકભાજીના ભાવો ઘટવાથી ફુગાવો ઘટયો છે.
જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો જુલાઈ 2018માં 5.09 ટકા હતો અને અૉગસ્ટ 2017માં 3.24 ટકા હતો.
સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર અૉગસ્ટ 2018માં ખાદ્ય પદાર્થોમાં 4.04 ટકા સંકોચન (ડીફલેશન) થયું હતું. ગયા મહિને આ કેટેગરીમાં ડીફલેશન 2.16 ટકા હતું. શાકભાજીમાં ડીફલેશન અૉગસ્ટમાં 20.18 ટકા હતું જે આગલા મહિને 14.07 ટકા હતું.
ખાદ્ય ચીજોમાં જે મંદીજન્ય પ્રવાહો હતા તે અૉગસ્ટમાં ફ્યુઅલ અને પાવર બાસ્કેટમાં ડબલ આંકડાના ફુગાવાથી સરભર થઈ ગયેલ છે. વૈશ્વિક ક્રૂડતેલના ઊંચા દરોના કારણે સ્થાનિકમાં ફ્યુઅલના ભાવો મહિના દરમિયાન 17.73 ટકા વધ્યા છે. અૉગસ્ટમાં લીકવીફાઇડ પેટ્રોલિયમ ગૅસ (એલપીજી)માં ફુગાવો 46.08 ટકા, ડીઝલમાં 19.90 ટકા અને પેટ્રોલમાં 16.30 ટકા હતા.
ખાદ્ય પદાર્થોમાં અૉગસ્ટમાં બટાટાનો ફુગાવો 71.89 ટકા જેટલો ઊંચો હતો. આની સામે કાંદામાં 26.80 ટકા અને ફળોમાં 16.40 ટકા સંકોચન જોવાયું હતું. અૉગસ્ટમાં કઠોળમાં 14.23 ટકા સંકોચન જોવાયું હતું.
4.53 ટકાનો ફુગાવો 4 મહિનાની સૌથી નીચી સપાટીએ છે અને આના કરતાંય ઓછો ફુગાવો એપ્રિલમાં 3.62 ટકા જોવાયો હતો. જૂનમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો 5.68 ટકા નોંધાયો હતો જ્યારે કામચલાઉ અંદાજ 5.77 ટકાનો હતો.
બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત બેરલદીઠ 79 ડૉલર રહ્યા કરે છે. આ ઉપરાંત રૂપિયાની નબળાઈ થકી ઓઇલનું આયાતબિલ વધી ગયું છે. આથી પેટ્રોલ અને ડીઝલ મોંઘા થતાં જાય છે. ગુરુવારે પેટ્રોલના ભાવ દિલ્હીમાં રૂા. 81 અને મુંબઈમાં રૂા. 88.39 હતા જે સર્વોચ્ચ સપાટી હતી. ડીઝલના ભાવ દિલ્હીમાં રૂા. 73.08 જ્યારે મુંબઈમાં રૂા. 77.58 હતા.
અૉગસ્ટમાં છૂટક ફુગાવો 10 મહિનાની નીચી સપાટીએ પહોંચી 3.69 ટકા રહ્યો હતો. રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા સામાન્યત નાણાનીતિ ઘડતી વેળા છૂટક ફુગાવાને ધ્યાનમાં લે છે.
રિઝર્વ બૅન્કે ગત મહિને તેના ત્રીજા નાણાનીતિ રિવ્યુ વેળા વ્યાજદર 0.25 ટકા વધારી 6.5 ટકા કર્યા હતા જે ફુગાવાજન્ય ચિંતાને કારણે વધારો કરાયો હતો. જુલાઈ-સપ્ટેમ્બરમાં રિઝર્વ બૅન્કે સીપીઆઈ-આધારિત છૂટક ફુગાવો 4.2 ટકા નોંધ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer