`મસ્જિદો ઉપર ગેરકાનૂની ધ્વનિવર્ધક યંત્રો અંગે આદેશનું પાલન કેમ નથી થયું? : હાઈ કોર્ટ


મુંબઈ, તા. 14 : મુંબઈ વડી અદાલતના આદેશના અનાદર બદલ નવી મુંબઈના પોલીસ આયુક્ત સંજયકુમારને `કારણદર્શક' નોટિસ આપવામાં આવી છે. મસ્જિદો ઉપરના ગેરકાનૂની ધ્વનિવર્ધક યંત્ર અંગે આદેશ આપવામાં આવ્યો હોવા છતાં કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? એવો પ્રશ્ન પૂછીને સંજયકુમારને 23મી અૉક્ટોબર સુધીમાં ઉત્તર આપવાનું કહેવામાં આવ્યું છે.
સંતોષ પાંચલાગએ મસ્જિદો ઉપર ગેરકાનૂની લાઉડસ્પીકર અંગે જનહિતની અરજી નોંધાવી હતી. તે અંગે ન્યાયાધીશો સારંગ કોતવાલ અને અભય ઓકની ખંડપીઠે વિસ્તૃત આદેશ આપ્યો હતો. જોકે તેનું પાલન નહીં થયું હોવાથી અરજદારે અદાલતના અનાદરની અરજી કરી હતી.
ખંડપીઠના તે આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે રાત્રે દસથી સવારે છ વાગ્યા સુધી ધ્વનિવર્ધક યંત્રને પરવાનગી આપવી નહીં. મસ્જિદ ઉપરના ગેરકાનૂની ધ્વનિવર્ધક યંત્રો કાઢી લેવા અને ધ્વનિપ્રદૂષણ અંગે જનજાગૃતિ કરવી. આ આદેશ વર્ષ 2016માં કરવામાં આવ્યો હતો. જોકે તેનો અમલ હજી સુધી નહીં કરવા અંગે વડી અદાલતે આજે નારાજગી વ્યક્ત કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer